સંખેડા તાલુકામાં વીજ કંપનીની બોગસ પાવતી આપીને ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવ્યા
વડોદરાઃ સંખેડા તાલુકામાં આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના કોસિન્દ્રા સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજ કંપનીની બોગસ પાવતીના આધારે વીજ બિલના નાણા ઉઘરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો અને આ મામલાને લઈને વીજ કર્મચારીઓના સંગઠન દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે ટેકનિકલ કર્મચારીઓના સંગઠન ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી છે.સંગઠનના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રીનુ કહેવુ હતુ કે, કોસિન્દ્રા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કોઈ વ્યક્તિ વીજ કંપનીના નામની બોગસ પાવતી આપીને વીજ બિલના નાણા ઉઘરાવતો હતો.જે ગ્રાહકો આ વ્યક્તિને નાણા આપતા હતા તેમના વીજ બિલમાં તો રકમ બાકી જ બોલતી હોય તે સ્વાભાવિક છે.એટલે જ્યારે વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓ બિલ નહીં ભરવા બદલ તેમના જોડાણ કાપવા માટે જાય ત્યારે ઘર્ષણ થતુ હતુ.
સેક્રેટરી જનરલના જણાવ્યા અનુસાર કર્મચારીઓને વીજ ગ્રાહકો બોગસ પાવતી બતાવતા હતા અને દાવો કરતા હતા કે અમે તો બિલ ભરી દીધુ છે.આવા સંખ્યાબંધ બનાવો બન્યા બાદ ટેકનિકલ કર્મચારીઓએ સંગઠનનુ ધ્યાન દોર્યુ હતુ અને આવી પાવતીઓ સબ ડિવિઝનમાં પણ રજૂ કરી હતી. તેના કારણે અમે આ મામલાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને હવે આ રીતે બોગસ પાવતી આપીને નાણા ખંખેરી રહેલા વ્યક્તિઓ સામે વીજ કંપનીએ પોલીસ ફરિયાદના ચક્રો ગતિમાન કર્યા છે.બીજી તરફ આ વ્યક્તિની પણ ઓળખ થઈ છે અને તેની પાસેથી ઉઘરાવેલી રકમની વસૂલાત કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દરમિયાન આ મામલાની જાણકારી મળ્યા બાદ ચોકી ઉઠેલા વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓ પણ કોસિન્દ્રા સબ ડિવિઝન ખાતે દોડી ગયા હતા.