મોદીએ સાંચેઝ અને તેમના પત્નીને સમજાવ્યું તોરણનું મહત્ત્વ, શરણાઇના સૂર સાંભળીને સાંચેઝના પગ થંભી ગયા
Laxmi Vilas Palace : દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની ઓળખ છે તેવો વડોદરાનો 134 વર્ષ જૂનો લક્ષ્મીવિલાસ પેલેસ વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો હતો. એક સાથે બે વડાપ્રધાનોની યજમાની આજે લક્ષ્મીવિલાસ પેલેસે કરી હતી.આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે કોઇ મહેલની અંદર બે રાષ્ટ્રના વડાઓએ ચર્ચા અને કરારો કર્યા હોય.
આજની આ ઐતિહાસિક ઘટના અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે 'અમે અતિ ઉત્સાહિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જ પેલેસમાં આવ્યા હતા. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની બેગોનીઆ ગોમેઝને પણ આવકારવાનો મોકો મળ્યો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મારા સસરા રણજિતસિંહ ગાયકવાડના નિધન વખતે પેલેસમાં આવ્યા હતા.
શરણાઇના સૂર સાંભળીને સાંચેઝના પગ થંભી ગયા
ઇંગ્લેન્ડના બકિંગહમ પેલેસ કરતા 4 ગણો મોટો છે લક્ષ્મીવિલાસ પેલેસ
રાધિકારાજે ગાયકવાડે કહ્યું હતું કે બન્ને રાષ્ટ્રપ્રમુખો મહેલમાં આવ્યા તેના એક કલાક પહેલા સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝના પત્ની બેજોનીઆ ગોમેઝ મહેલમાં આવી ગયા હતા અને અમારા પરિવાર સાથે એક કલાક વિતાવ્યો હતો. તેઓએ મ્યુઝિયમ અને શસ્ત્રાગારની મુલાકાત લીધી જે બાદ મહેલમાં અમારી સાથે ચાની લજ્જત માણતા માણતા મહેલના ઇતિહાસ અંગે જાણકારી મેળવી.
તેઓને જ્યારે જાણ થઇ કે ઇંગ્લેન્ડના રાજપરિવારના અધિકૃત નિવાસ સ્થાન બકિંગહમ પેલેસ કરતા લક્ષ્મીવિલાસ પેલેસ ચાર ગણો મોટો છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
એસ.જયશંકરે રાધિકારાજેને કહ્યું કે : ઇતિહાસમાં આવુ અગાઉ ક્યારેય નથી થયું
રાધિકારાજે કહે છે કે 'બે દેશના રાષ્ટ્રપ્રમુખોની સાથે ભારતના ટોચના નેતાઓ જેવા કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર જેવા મહાનુભાવો પણ આજે અમારા મહેમાન હતા.
દરમિયાનમાં એસ.જયશંકરે મારી સાથે વાત કરતા કહ્યું કે આઝાદ ભારતના ઇતિહાસમાં આવુ અગાઉ ક્યારેય નથી થયુ કે કોઇ મહેલની અંદર ભારતના વડાપ્રધાને અન્ય કોઇ દેશના રાષ્ટ્ર પ્રમુખ સાથે કરારો કર્યા હોય. વડોદરા જેવા નાના શહેરમાં પણ આ પ્રકારની ઇવેન્ટ ભૂતકાળમાં ક્યારેય થઇ નથી.