વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ પાસે દારૂના નશામાં યુવાન પોલ પર ચઢી જતાં લોકટોળા જામ્યા
વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ ખાતે આવેલા સીસીટીવી કેમેરાના પોલ ઉપર એક યુવાન ચઢી ગયો હતો. મોડી સાંજે સીસીટીવી કેમેરાના પોલ પર ચઢી ગયેલા યુવાનને ઉતારવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કરવા છતાં પણ ન ઉતરતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
મળેલી માહિતી પ્રમાણે, વૃંદાવન ચાર રસ્તા સર્કલ સ્થિત સીસીટીવીના પોલ ઉપર દારૂના નશામાં ધૂત યુવાન ચઢી ગયો હતો. યુવાન પોલ ઉપર ચડતાની સાથે જ લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. ચાર રસ્તા ઉપરના સર્કલ સ્થિત પોલ ઉપર યુવાન ચઢી ગયો હોવાને પગલે ટ્રાફિક સિગ્નલના કારણે ઉભેલા વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. પોલ ઉપર ચડી ગયેલા યુવાનને ઉતારવા માટે ટોળે વળેલા લોકોએ પ્રયાસો કર્યા હતા. પરંતુ યુવાન ન ઉતરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો લાશ્કરો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા પોલ ઉપર ચઢી ગયેલા યુવાનને સિફતપૂર્વક નીચે ઉતારીને પોલીસના હવાલે કર્યો હતો.
પોલ ઉપરથી ઉતારેલો યુવાન ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું. જો કે યુવાન કયા કારણોસર પોલ ઉપર ચઢી ગયો હતો? તે અંગેની કોઈ માહિતી પોલીસ તપાસમાં બહાર આવી નથી.