ચાર ખૂંખાર કેદીઓ દ્વારા છેલ્લા ૨૦-૨૫ દિવસથી જેલમાં મોબાઇલનો ઉપયોગ
સોનુ પઠાણનાં બિસ્તરમાંથી બે મોબાઇલ મળ્યા અને નામચીન આરોપીઓના નામો ખૂલ્યા ઃ જેલરે ઊંડી તપાસ કરવાની માંગણી કરી
વડોદરા, તા.6 વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડમાં મોબાઇલનો ઉપયોગ કરતાં વડોદરાના નામચીન આરોપીઓ સામે જેલરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવાની પણ જેલરે માંગણી કરી છે જેમાં જેલનો સ્ટાફ પણ સંડોવાયેલો હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કર્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા મકનાભાઇ ખાંટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મે તેમજ સ્ટાફના અન્ય માણસોએ તા.૫ના રોજ બપોરે સરદારયાર્ડ સેલ-૪માં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સોનું અલીશેર પઠાણ નામના કાચા કામના કેદીના બિસ્તરની ઝડતી કરતાં તેમાંથી સીમકાર્ડ સહિતના બે મોબાઇલ મળ્યા હતાં. આ મોબાઇલ અંગે સોનું પઠાણની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે હું અને પાર્થ બાબુલ પરીખ, અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી તેમજ સુનિલ ઉર્ફે અદો પ્રકાશ કેવલરામાણી સાથે મળીને છૂપી રીતે મોબાઇલનો ઉપયોગ કરતાં હતાં.
સોનુ પઠાણે જેલરને કહ્યું હતું કે છેલ્લા ૨૦-૨૫ દિવસથી ત્રણે મોબાઇલ સાચવવા માટે મને આપતાં હતાં. જેલરે પોલીસને લેખિતમાં ફરિયાદમાં જણાવ્યું છે કે મોબાઇલ ફોન એફએસએલમાં મોકલી ચકાસણી કરાય તો ઘણી બાબતોનો ખુલાસો થઇ શકે તેમ છે. આ મોબાઇલનો અન્ય કેદીઓએ પણ ઉપયોગ કર્યો છે કે કેમ? તેની પણ તપાસ થવી જોઇએ. જેલ જેવા પ્રતિબંધિત વિસ્તારમાં જો જેલખાતાના કોઇ કર્મચારી સંડોવાયેલ છે કે કેમ તેની પણ વિસ્તૃત તપાસ થવી જોઇએ.
નામચીન ચાર આરોપીઓના નામ
- સોનું અલીશેર પઠાણ
- અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી
- સુનિલ ઉર્ફે અદો પ્રકાશ કેવલરામાણી
- પાર્થ બાબુલભાઇ પરીખ