પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાંખતા ટોળું વિફર્યુ : ત્રણ વાહનોને આગચંપી

પોલીસે ડ્રાઇવર સામે અકસ્માત અને ડ્રાઇવરની ફરિયાદના આધારે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાંખતા ટોળું વિફર્યુ : ત્રણ વાહનોને આગચંપી 1 - image

વડોદરા,અનગઢ ગામે મંદિરે ચાલતા જતા પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીને હાઇડ્રો ક્રેનના ડ્રાઇવરે પૈંડા નીચે ચગદી નાંખતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જેના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઇવરને માર મારી ત્રણ વાહનોને આગચંપી કરી હતી. નંદેસરી પોલીસે અકસ્માત અને રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સિંઘરોટ નજીકના દાજીપુરા ગામે રહેતો ૨૫ વર્ષનો અજીત નટવરભાઇ ગોહિલ ગઇકાલે તેના ઓળખીતા કિરણ અર્જુનભાઇ ગોહિલ, અજય દિલીપભાઇ ગોહિલ તથા અન્ય સાથે અનગઢ ગામ મહોણી માતાના મંદિરે ચાલતો જતો હતો. તે દરમિયાન નવાપુરા ગામ રેલવે બ્રિજના સર્વિસ રોડ પર એક હાઇડ્રો ક્રેનના ચાલકે અજીતને અડફેટે લેતા તે રોડ પર ફંગોળાયો હતો. હાઇડ્રો ક્રેનના તોતિંગ પૈંડા અજીતના માથા પર ફરી વળતા તેનું માથું છુંદાઇ ગયું હતું. અજીતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગે નંદેસરી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના  પગલે રોષે ભરાયેલા ટોળાએ હાઇડ્રા ક્રેનના ડ્રાઇવર મોહંમદઇરફાન મોહંમદમુના ધોબી ( ર હે. કોયલી એલ એન્ડ ટી ના ક્વાટર્સમાં, મૂળ રહે. બિહાર)ને પકડીને મેથીપાક ચખાડયો હતો. ટોળાએ સળિયા તથા ડંડા વડે હુમલો કરી હાથે, પગે તથા છાતીના ભાગે ઇજા  પહોંચાડી હતી. તેમજ અકસ્માત કરનાર વાહનને આગચંપી કરી હતી. દરમિયાન પોલીસ આવી જતા ટોળું વધુ ઉશ્કેરાયું હતું. અકસ્માત સ્થળથી થોડે દૂર ઉભેલી બે ક્રેનને આગચંપી કરી હતી. અકસ્માત કરનાર ક્રેન રેલવે પ્રોજેક્ટના કામમાં ચાલતી  હતી. 


Google NewsGoogle News