વાડી પોલીસે બરાનપુરા પેટ્રોલ પંપ પાસે નિર્દોષ વૃદ્ધને મારતા ટોળું ઉશ્કેરાયું

જાહેરમાં મારામારી કરતા દુકાનદાર સહિત બે સામે ગુનો દાખલ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News

 વાડી  પોલીસે બરાનપુરા પેટ્રોલ પંપ પાસે નિર્દોષ વૃદ્ધને મારતા ટોળું ઉશ્કેરાયું 1 - imageવડોદરા,બરાનપુરા પેટ્રોલપંપ નજીક દારૃના નશામાં ઝઘડો થતા ટોળું ભેગું થઇ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોંચેલી  પોલીસે  એક નિર્દોષ વૃદ્ધને માથામાં ડંડો મારતા  લોકો વધુ ઉશ્કેરાયા હતા.વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે ઝઘડો કરનાર દુકાનદાર સહિત બે સામે જાહેરમાં મારામારી કરવા અંગે ગુનો દાખલ કર્યો છે.

શહેરમાં  દારૃ પીને ખુલ્લેઆમ ફરતા લોકોના કારણે ઘણીવાર શહેરની શાંતિ જોખમાય છે.  ગઇકાલે મોડીરાતે આવો  જ એક બનાવ બરાનપુરા પેટ્રોલપંપ પાસે બન્યો હતો. જે અંગે પોલીસ કંટ્રોલ રૃમ તરફથી વાડી પોલીસને મેસેજ મળ્યો હતો કે, સુરેશભાઇ તોલાણી બરાનપુરા પેટ્રોલપંપ સામે  અનુભવ એન્ટરપ્રાઇઝ દુકાન પર લોકોનું ટોળું આવીને ઝઘડો કરે છે. જેથી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે  પહોંચતા બેવ્યક્તિઓ  જાહેરમાં મારામારી કરતા હતા. જેથી, પોલીસે મારામારી કરતા (૧) સુરેશ રામચંદ્રભાઇ તોલાણી ( રહે.ગોકુળ નગર સિંધી સોસાયટી, મકરપુરા) તથા (૨) આકાશ નવિનભાઇ ચુનારા ( રહે. જાસૂદ મહોલ્લો, બરાનપુરા) ને પકડી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓની વચ્ચે દુકાન ખોલવા બાબતે ઝઘડો થયો હતો.

 ઘટના સ્થળ નજીક  હાજર  ૬૫ વર્ષના કાલીદાસ ડાહ્યાભાઇ ચુનારા ( રહે. વિઠ્ઠલવાડી, બરાનપુરા) ને પોલીસે માર મારતા તેઓ નીચે પડી ગયા હતા. જેના  પગલે ટોળું વધુ રોષે ભરાયું હતું. અને પોલીસને ઘેરી લીધી હતી. જેથી,પીસીઆર વાન દ્વારા વધુ પોલીસ બોલાવવામાં આવતા પોલીસનો વધુ કાફલો  દોડી  આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવતા તેઓ શાંત પડયા હતા. છેવટે પોલીસે આકાશ ચુનારા અને સુરેશ તોલાણી સામે જાહેરમાં મારામારી, તથા પ્રોહિબીશનના ગુના દાખલ કર્યા હતા.

સમાજના આગેવાનોએ વચ્ચે  પડી સમાધાન કરાવી દીધું

પોલીસ કહે છે કે, ઇજાગ્રસ્ત પાછળથી એવું લખાવી ગયા કે, પડી જવાથી વાગ્યું

વડોદરા,પોલીસે નિર્દોષ વૃદ્ધને મારતા ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ સમાજના આગેવાનો અને  પોલીસના મિત્રોએ વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હોવાનું ઇજાગ્રસ્તના પરિવારે જણાવ્યું છે.જ્યારે વાડી પી.આઇ.એ.બી.મોરીનું કહેવું છે કે, આ જ ઇજાગ્રસ્ત પાછળથી એવું નિવેદન લખાવી ગયા  કે, મને કોઇએ માર્યુ નથી. દોડધામમાં ધક્કો વાગતા નીચે પડી જવાથી ઇજા થઇ છે.જોકે, ઝઘડાનું મૂળ કારણ દારૃનો નશો છે. આરોપીઓ ક્યાંથી દારૃ પીને આવ્યા હતા ? તેની તપાસ થાય તો વાડી વિસ્તારમાં ચાલતા દારૃના ધંધાની વિગતો બહાર આવે. પરંતુ, સપ્લાયરને વોન્ટેડ  નહી બતાવતી  વાડી પોલીસ ઉંડી તપાસ કરે તેવું લાગતું નથી.


Google NewsGoogle News