વડોદરામાં 7/12માં નામ હોવાનો દુરુપયોગ કરી લોન મેળવી : પોલીસ ફરિયાદ કરવા 10 દિવસમાં કોર્ટનો ચુકાદો

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં 7/12માં નામ હોવાનો દુરુપયોગ કરી લોન મેળવી : પોલીસ ફરિયાદ કરવા 10 દિવસમાં કોર્ટનો ચુકાદો 1 - image


Vadodara Court News : વડોદરા નજીક આવેલ મુજાર ગામડી ખાતે અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલ મિલકત ઉપર ખોટી રીતે બેંકમાંથી છ લાખનું ધિરાણ મેળવી મિલકત ઉપર બોજો દાખલ કરાવતા હાલના વાદી જમીન માલિકે મૂળ માલીકો સામે છેતરપિંડી આચરવા બદલ ફોજદારી કાર્યવાહી હેતુ વડોદરાના સેકન્ડ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આઇપીસીની કલમ 406, 418, 420 તથા 120(બી) હેઠળ લેખિતમાં ફરિયાદ અરજી દાખલ કરી હતી. રેકોર્ડ હાજર પુરાવા અને ફરિયાદ પક્ષની દલીલો તપસ્યા બાદ અદાલતે ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી આરોપીઓ સામે IPC 406, 418, 420 અને 120B હેઠળ ગુનાનું કોગ્નિઝન્સ લીધું હતું અને પ્રથમ દ્રષ્ટિએ ગુન્હો બનતો હોય ફરિયાદ અરજીને મેજિસ્ટ્રેટ કમ્પ્લેન (પ્રાઇવેટ ફરિયાદ) તરીકે દાખલ કરી ફરિયાદમાં જણાવેલ તમામ 11 આરોપીઓ સામે ક્રિમીનલ કેસ દાખલ કરી આરોપીઓને સમન્સ જારી કરવાનો હુકમ કર્યો હતો. 

શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી સંદીપ સૂર્યકાંત પટેલની જાંબુઆ ગામ નજીક મુજારગામડી ખાતે રે. સ.નં 116, 117 અને 118 વાળી જમીન જે એમના સ્વ.દાદાએ વેચાણ રાખેલ હતી તે જમીનના મુળ જમીન માલિકોના હાલના વારસદારો દ્વારા બેંક ઓફ બરોડાની વરણામા બ્રાંચમાંથી રૂપિયા 6 લાખની લોન લઈ લેતા વડોદરાની કોર્ટમાં છેતરપિંડી, વિશ્વાસઘાતની ખાનગી ફરિયાદ દાખલ કરેલ હતી. ફરિયાદીના દાદા દ્વારા જમીનની વેચાણ કિંમત પૂરેપૂરી ચૂકવી દેવા છતાં જેતે અસલ જમીન માલિકો દ્વારા પાકો વેચાણ દસ્તાવેજ ના કરી આપતાં વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેનો અંતિમ ચુકાદો અપીલ સાથે વર્ષ 2017માં આવેલ હતો. 1982ના કેસના ચુકાદાની બજવણી માટે ફરિયાદીના પિતાએ વડોદરાની કોર્ટમાં દરખાસ્ત અરજી ભરેલ હતી, જે દરમિયાન દરખાસ્ત પ્રતિવાદી દ્વારા 7/12ના ઉતારામાં નામ હોવાનું કહીને બેંક ઓફ બરોડાની વરણામા બ્રાન્ચમાંથી લોન લઈ લેવામાં આવી હતી. 1982ના દાવાની હુકમની નોંધ ગામ દફતરે પડેલ હોવા છતાં બેંક ઓફ બરોડાએ અંડર ટ્રાયલ તથા નવી શરતની જમીન હોવા છતાં જમીન ઉપર રૂપિયા છ લાખની લોન આપી દેતાં સંદીપ પટેલ દ્વારા પોતાના વકીલ અમિષ દાદાવાલા મારફતે કોર્ટ રાહે ન્યાય માંગવાની તજવીજ કરવામાં આવી હતી. 

મુળ જમીન માલિકોની ગેરકાનુની હરકતથી નારાજ થઈને સંદીપ પટેલે અદાલતનાં દ્વાર ખખડાવતા અને ન્યાયના હિતમાં ફરિયાદ દાખલ કરવા મેજિસ્ટ્રેટ સાહેબને લેખિતમાં ફરિયાદ કરેલ હતી. ફરિયાદ અરજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દીપેશ મિતલની કોર્ટમાં ચાલી જતાં અને ફકત 10 દિવસનાં ટુંકાગાળામાં ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન નોંધી પુરાવાની ચકાસણી કરી ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રી અમિષ દાદાવાલાની રજુઆતો ધ્યાનમાં લેતા અદાલતે ફરિયાદ પક્ષના તથ્યોને ગ્રાહ્ય રાખી IPC ની કલમ 406, 418, 420 અને 120B હેઠળ કાર્યવાહી કરી ગુનો નોંધવા અને આરોપીઓ સામે સમન્સ જારી કરવા હુકમ કર્યો હતો.

કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે

1)પાટણવડીયા હરમાનભાઈ ભાઈલાલભાઈ 

2)પાટણવાડીયા કૈલાશબેન ભાઈલાલભાઈ

3)પાટણવાડીયા વિદ્યાબેન ભાઈલાલભાઈ

4)પાટણવાડીયા સુરેશભાઈ ભાઈલાલભાઈ

5)પાટણવાડીયા પારુલબેન ભાઈલાલભાઈ 

6)પાટણવાડીયા કમલેશભાઈ ભાઈલાલભાઈ

7)મધુબેન ભીખાભાઈ પાટણવાડીયા

8)નીરૂબેન ભીખાભાઈ પાટણવાડીયા

9)રંજનબેન ભીખાભાઈ પાટણવાડીયા

10)વિજયભાઈ ભીખાભાઈ પાટણવાડીયા 

11)કામિનીબેન ભીખાભાઈ પાટણવાડીયા


Google NewsGoogle News