ગાંધીનગરના નવા મહિલા મેયર તરીકે મીરાબેન પટેલ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરના નવા મહિલા મેયર તરીકે મીરાબેન પટેલ 1 - image


ઉત્તર દક્ષિણ મામલે છેલ્લી ઘડી સુધીની ખેંચતાણ બાદ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસરાંધેજાના નટુજી ઠાકોરને ડેપ્યુટી મેયરનું પદ અપાયું

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે મેયર સહિતના નવા હોદ્દેદારો નિમવા માટે મળેલી સામાન્ય સભા ભારે રોચક રહી હતી કેમકે ઉત્તર અને દક્ષિણ વિધાનસભા વિસ્તારના કોર્પોરેટરોને પદ અપાવવા માટે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ ચાલી હતી અને આખરે વોર્ડ નંબર ૧૦ના મહિલા કોર્પોરેટર મીરાબેન પટેલની ગાંધીનગરના છઠ્ઠા મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ગૌરાંગ વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો રાંધેજાના નટુજી ઠાકોરને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું હતું.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે છેલ્લા ૧૫ દિવસથી ભાજપમાં મડાગાંઠ ચાલી રહી હતી અને આજે સામાન્ય સભા શરૃ થાય તે પહેલા સુધી પણ ઉકેલાઈ શકી ન હતી. ૧૧.૩૦ કલાકે સામાન્ય સભા મળવાની હતી પરંતુ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામને લઈ ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગઈકાલે મોડી રાત સુધી પ્રદેશ ભાજપની બેઠક બાદ નામો નક્કી થયા ન હતા અને આજે સવારે પ્રદેશ કક્ષાએથી નામ નક્કી કરવામાં આવ્યા બાદ ભાજપના જ કોર્પોરેટરોમાં આંતરિક વિરોધ જોવા મળ્યો હતો અને તેના કારણે આખરે પક્ષ દ્વારા ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા વિસ્તારના આવરી લઈને મુખ્ય બે પદ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના આધારે મેયર અને ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. બપોરે ૧  કલાકે શરૃ થયેલી આ સામાન્ય સભામાં પક્ષ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટમાં વોર્ડ નંબર ૧૦ના અને રાયસણ ગામના વતની એવા મહિલા કાર્પોરેટર મીરાબેન મીતેશભાઇ ઉર્ફે યોગેશભાઈ પટેલનું નામ મેયર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેને તમામ કોર્પોરેટરો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેયર દ્વારા સામાન્ય સભાનું સંચાલન શરૃ કરીને ડેપ્યુટી મેયરની ચૂંટણીનો એજન્ડા હાથ ઉપર લેવામાં આવ્યો હતો. જેમાં પક્ષ તરફથી વોર્ડ નંબર ૧ના નટુજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સ્થાયી સમિતિના ૧૨ સભ્યોના નામની જાહેરાત પણ કરવામાં આવી હતી અને તેમાંથી ચેરમેન તરીકે વોર્ડ નંબર ૬ના ગૌરાંગ વ્યાસની વરણી કરવામાં આવી છે. જોકે પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નામો બાદ કહી ખુશી કભી ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભાજપ પાસે હાલ કોર્પોેરેટરોનું જંગી સંખ્યાબળ છે ત્યારે તેમાંથી ત્રણ નામો પસંદ કરવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.

હવે કોર્પોરેટરોને સમિતિઓના ચેરમેનનું પદ મળવાની આશા

કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના દાવેદાર તરીકે છેલ્લા બે મહિનાથી ફરી રહેલા કોર્પોરેટરના નામ આજે જાહેર થયાના હતા. જેના કારણે હવે તેમને આગામી સમયમાં કોર્પોરેશનમાં બનનારી નવી સાત સમિતિઓના ચેરમેન તરીકેના પદ મળવાની આશા છે. જોકે આ મામલે હજી સુધી સરકારમાંથી કોઈ નિર્ણય આવ્યો નથી ત્યારે હજી આ સમિતિઓની રચનામાં એક મહિના જેટલો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે.

ગાંધીનગરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવશે : મેયર

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મહિલા મેયર તરીકે વરણી થયા બાદ મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ અઢી વર્ષ સુધી કોર્પોરેશનમાં નવા અને જૂના વિસ્તારોમાં કરોડો રૃપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે અને હજી પણ શહેરના સર્વાંગી વિકાસ માટે કોર્પોરેશનની સમગ્ર ટીમ કટિબદ્ધ રહેશે. નગરના તમામ પ્રશ્નો ઝડપથી ઉકેલાય અને નાગરિકોને કોર્પોરેશન તરફથી કોઈ જ પ્રકારની સમસ્યા ઊભી ના થાય તે પ્રકારનો આયોજન આગામી અઢી વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News