વરસાદ સાથે જ મગરો-સરીસૃપોનું સ્થળાંતરઃ 3 દિવસમાં 3 મગર પકડાયાઃમેન રોડ પર કોબ્રાએ એક કલાક બેઠક જમાવી
વડોદરાઃ વરસાદના આગમન સાથે જ શહેરમાં જળચર જીવોની દોડાદોડી શરૃ થઇ ગઇ છે.આગામી દિવસોમાં જળચરો બહાર નીકળવાના અને જ્યાંત્યાં ભરાઇ જવાના બનાવો હજી વધશે.
વરસાદને કારણે નદી,નાળા અને તળાવોમાં નવું પાણી આવતું હોવાથી મગરો અને સરીસૃપો અસલામતી અનુભવતા હોય છે.કેટલાક જળચરોને પાણીનું વહેણ પસંદ હોતું નથી અને તેઓ અનુકૂળ જગ્યા શોધવા માટે બહાર નીકળતા હોય છે.
પરંતુ સુરક્ષિત સ્થાન શોધવા જતાં જળચરો જ્યાં ત્યાં ભરાઇ જતા હોય છે.બે દિવસ પહેલાં જ એક કારમાંથી સાપ મળ્યો હતો.જ્યારે તે પહેલાં બાઇકની હેડલાઇટ પર ફેણ તાણીને સાપ બેઠેલો હોઇ તેનું રેસ્ક્યૂ કરાયું હતું.
આવી જ રીતે મગરો પણ બહાર નીકળતા હોય છે અને ત્રણ દિવસમાં પાદરાના લક્ષ્મીપુરા,વિશ્વામિત્રી બ્રિજ પાસે અને લાલબાગ એસઆરપી ગુ્રપ જેવા સ્થળે મગરો આવી જતાં તેમનું રેસ્ક્યૂ કરાયું હતું.આજે માંજલપુર વિસ્તારમાં સૂર્યદર્શન ફાટક નજીક મેન રોડ પર એક કોબ્રાએ બેઠક જમાવતાં લોકોમાં કૌતુક સર્જાયું હતું.લગભગ એક કલાક સુધી કોબ્રા બેસી રહેતાં જીવદયા પ્રેમીઓએ તેનું રેસ્ક્યૂ કર્યંુ હતું.