કોયલીમાં આધેડવયના દંપતીએ સાથે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વડોદરાઃ કોયલીમાં રહેતા આધેડવયના એક દંપતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ બનતાં જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
કોયલીના ઝવેરપુરા ખાતે રહેતા દંપતીએ ક્યા કારણસર આ પગલું ભર્યું તેની ચોક્કસ જાણકારી પોલીસને મળી નથી,પરંતુ જુદાજુદા કારણોસર આ કૃત્ય કર્યું હોવાનું મનાઇ રહ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,મહેશ મોહનભાઇ પઢિયાર(૫૦ વર્ષ) અને તેમના પત્ની અરૃણાબેન(૪૫ વર્ષ) ને સંતાન નહિ હોવાથી ભાઇની સાથે રહેતા હતા.મહેશભાઇ તેમના ભાઇને દુકાનના કામે મદદ કરતા હતા.
થોડાસમય પહેલાં તેમના માતાનું અવસાન થયું હતું.જ્યારે,મહેશભાઇના પત્નીની તબિયત પણ સારી રહેતી નહતી.આ ઉપરાંત તેમણે લોન લીધી હોવાની પણ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.
જવાહરનગરના પીએસઆઇ જે પી વાંઝવાલાએ કહ્યું હતું કે,આજે બપોરે ભાણેજ મળવા માટે આવ્યા ત્યારે બંને પતિ-પત્નીએ એક જ પંખા પર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.