વીજ કંપની ૨૨.૭૪ લાખ વીજ ગ્રાહકો સુધી વીજ બિલ થકી મતદાન સંદેશો પહોંચાડશે
વડોદરાઃ લોકસભાની ચૂંટણી માટે વડોદરા શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને તેમાં મધ્ય ગુજરાત વીજ કંપની પણ જોડાઈ છે.
વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ એમ મધ્ય ગુજરાતના સાત જિલ્લામાં ૨૨.૭૪ લાખ જેટલા વીજ ગ્રાહકોને વીજ બિલ થકી મતદાન કરવા માટેનો સંદેશો પહોંચાડવામાં આવશે.આ માટે વીજ બિલ પર રબર સ્ટેમ્પ મારવામાં આવી રહ્યા છે.જેમાં લખવામાં આવ્યુ છે કે, ...ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, મતદાન આપણા સૌની ફરજ, તેને ચૂકશો નહી....
મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોનુ કહેવુ છે કે કંપની દ્વારા ફેબ્રઆરી- માર્ચના વીજ બિલમાં ૭.૫૬ લાખ ગ્રાહકોને રબર સ્ટેમ્પ મારીને મતદાન માટેનો સંદેશો પહોંચાડવમાં આવ્યો છે.જેમાં વડોદરા જિલ્લાના ૨.૭૩ લાખ, છોટાઉદેપુરના ૪૯૩૬૪, આણંદમાં ૧.૨૮ લાખ, ખેડામાં ૧.૦૯ લાખ, મહીસાગરમાં ૫૩,૪૫૬ અને દાહોદ જિલ્લામાં ૬૩૨૧૮ વીજ બિલોનો સમાવેશ થાય છે.જ્યારે માર્ચ એપ્રિલના બિલમાં વધુ ૧૪.૮૯ લાખ જેટલા ગ્રાહકો સુધી પણ વીજ કંપની દ્વારા આ સંદેશો પહોંચાડવામાં આવશે.જેમાં વડોદરાના ૫.૩૮ લાખ, છોટાઉદેપુરમાં એક લાખ, આણંદમાં ૨.૬૯ લાખ, ખેડામાં ૨.૦૩ લાખ, મહિસાગરમાં ૧.૦૨ લાખ, પંચમહારમાં ૧.૪૯ લાખ, દાહોદ જિલ્લામાં ૧.૨૮ લાખ વીજ ગ્રાહકોનો સમાવેશ થશે.