વીજ કંપનીના સુપરવાઈઝરી કંટ્રોલ સેન્ટરને રૃા.250 કરોડના ખર્ચે અપગ્રેડ કરવાની કવાયત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
વીજ કંપનીના સુપરવાઈઝરી કંટ્રોલ સેન્ટરને રૃા.250 કરોડના ખર્ચે અપગ્રેડ કરવાની કવાયત 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના ગોરવા સ્થિત સ્કાડા( સુપરવાઈઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન)સેન્ટરને ૨૫૦ કરોડ રુપિયાના ખર્ચે અપગ્રેડ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.આ કામગીરી ૨૦૨૫માં પૂરી થવાનો અંદાજ છે.

વીજ કંપનીનુ વર્તમાન સ્કાડા સેન્ટર  ગોરવા વિસ્તારમાં ૨૦૧૨માં કાર્યરત થયુ હતુ.જેના થકી ટ્રાન્સફોર્મરો અને ફીડર પરના વીજ વપરાશના ડેટા મેળવવામાં આવે છે.જોકે અત્યારના સેન્ટરમાં માત્ર વડોદરાના ૧૮ જેટલા સબ સ્ટેશનના ૧૦૦ જેટલા ફીડરો અને ટ્રાન્સફોર્મરોના ડેટા મેળવવાનુ શક્ય છે.જ્યારે સ્કાડા સેન્ટર અપગ્રેડ કરવામાં આવ્યા બાદ વડોદરાના તમામ ફીડરો તથા તેની સાથે સાથે મધ્ય ગુજરાતના પાદરા, નડિયાદ, આણંદ, ગોધરા સહિતના ૧૨ જેટલા શહેરોના ફીડરો અને ટ્રાન્સફોર્મરોના વીજ વપરાશના ડેટા મેળવવાનુ અને સ્કાડા સેન્ટરમાંથી ફીડરો અને ટ્રાન્સફોર્મરોને ઓપરેટ કરવાનુ શક્ય બનશે.વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, સેન્ટર અપગ્રેડ કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયેલો છે.હાલમાં કામગીરી ચાલી રહી છે.જેના ભાગરુપે જૂના ઉપકરણો પણ બદલવામાં આવી રહ્યા છે.સેન્ટર અપગ્રેડ થયા બાદ ૩૩૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો પર વીજ વપરાશનો ડેટા મેળવી શકાશે.અત્યારે સેન્ટરની જે પણ મર્યાદાઓ છે તે અપગ્રેડ થયા બાદ દૂર થઈ જશે.જેનાથી ફીડરોનુ અને ટ્રાન્સફોર્મરોનુ રિમોટ સંચાલન પણ શક્ય બનશે.એક ફીડર જો બંધ થયુ હશે તો તેનો લોડ સેન્ટરમાંથી બેઠા-બેઠા બીજા ફીડર પર ડાયવર્ટ કરી શકાશે.ટ્રાન્સફોર્મરો પણ ચાલુ બંધ કરી શકાશે.ફીડર અને ટ્રાન્સફોર્મરો પરના વીજ લોડના ડેટાના આધારે વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મર બદલવાનુ આયોજન પણ વધારે સરળતાથી શક્ય બનશે.

વડોદરા શહેરના ૧૦૦૦૦ ટ્રાન્સફોર્મરો પૈકી ૧૦૦૦ જેટલા ઓવરલોડ

વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, હીટવેવના કારણે વડોદરાની વીજ માંગ પણ વધી છે અને તેના કારણે વડોદરાના ૧૦૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો પૈકી ૧૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મર રાત્રે૧૦ થી મધરાતે બે વાગ્યા સુધી ઓવરલોડ હોય છે.જેથી વીજળી ગુલ થવાની ફરિયાદો વધી છે.વડોદરા શહેર સોલરના સૌથી વધુ ઘરેલુ જોડાણ ધરાવે છે.વડોદરામાં ૬.૫૦ લાખ ઘરેલુ વીજ જોડાણોમાં ૧ લાખ જેટલા ગ્રાહકો પાસે રુફ ટોપ સોલર છે.આવા ગ્રાહકોનુ બિલ ઓછુ આવતુ હોવાથી તેમનો વીજ વપરાશ ઘણો વધી ગયો છે.દિવસે તો સોલર થકી વીજળી ઉત્પન્ન થતી હોવાથી વાંધો નથી આવતો પણ રાત્રે તેમના વધેલા વીજ વપરાશનો લોડ પણ નેટવર્ક પર પડતો હોય છે.ઉપરાંત મોટાભાગના વીજ ગ્રાહકો પોતાનો વીજ લોડ જાહેર નહીં કરી રહ્યા હોવાથી વીજ માગ અને વીજ સપ્લાય વચ્ચેનુ સંતુલન જાળવવુ મુશ્કેલ બની રહ્યુ છે.ખાસ કરીને હીટવેવના સમયગાળામાં વીજ માગ વધે છે ત્યારે ફીડરો અને ટ્રાન્સફોર્મરો પરનુ ભારણ વધી જાય છે.હાલમાં વડોદરામાં ૧૦૦ કેવી, ૨૦૦ કેવી અને ૫૦૦ કેવીની ક્ષમતા ધરાવતા ૧૦૦૦૦ ટ્રાન્સફોર્મરો લગાવવામાં આવ્યા છે.જો ગ્રાહકોનો વીજ લોડ ખબર હોય તો વીજ કંપની એ પ્રમાણે જે તે વિસ્તારમાં ટ્રાન્સફોર્મરોની ક્ષમતા વધારી શકે છે અથવા તો નવા ટ્રાન્સફોર્મરો લગાવી શકે છે.

હીટવેવના કારણે મધ્ય ગુજરાતની વીજ માગ પણ સર્વોચ્ચ સપાટીએ 

હીટવેવના કારણે ગુજરાતની વીજ માગનો રેકોર્ડ તૂટી ચૂકયો છે અને એ જ રીતે મધ્ય ગુજરાતની વીજ માગનો પણ આ સમયગાળા દરમિયાન નવો રેકોર્ડ સર્જાયો છે.સૂત્રોના કહેવા પ્રમાણે તા.૨૨ મેના રોજ મધ્ય ગુજરાતની વીજ માગ ૨૬૯૦ મેગાવોટ સુધી પહોંચી હતી અને ઈતિહાસમાં અગાઉ ક્યારેય આટલી વીજ માગ નોંધાઈ નથી.તા.૨૨ મે પછી પણ મધ્ય ગુજરાતની વીજ માગ ઉપરોકત આંકડા કરતા સ્હેજ જ ઓછી રહી છે.હીટવેવ શરુ થયો તે પહેલા ૧૬ મેના રોજ મધ્ય ગુજરાતની વીજ માગ ૨૨૧૯ મેગાવોટ નોંધાઈ હતી.જેમાં હીટવેવના કારણે લગભગ ૧૫૦ મેગાવોટનો વધારો થયો છે.



Google NewsGoogle News