એક વર્ષમાં ૫૧૪ વખત મધ્ય ગુજરાત વીજ કંપનીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાયો
વડોદરાઃ સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ઘેરાયેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશો અન્ય એક મોરચે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે સમસ્યા છે વારંવાર અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાવાની.
મધ્ય ગુજરાત વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલનુ માળખુ વડોદરા શહેરમાં જ સેંકડો કિલોમીટર વિસ્તારમાં પથરાયેલુ છે.મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરના ૭૦ ટકા ફીડરો અન્ડરગ્રાઉન્ડ છે.ફીડરો થકી ટ્રાન્સફોર્મર સુધી પહોંચતી ૧૧ કેવીની હાઈ ટેન્શન લાઈનનુ નેટવર્ક ટ્રાન્સફોર્મર સુધી પાવર સપ્લાય પહોંચાડે છે.જોકે ટ્રાન્સફોર્મરથી લોકોના ઘર સુધી જતી વીજ લાઈનો ઓવર હેડ છે.
એક અંદાજ પ્રમાણે વડોદરા શહેરના ૮૦ ટકા વિસ્તારમાં વીજ કંપનીએ ૧૧ કેવીના અન્ડર ગ્રાઉન્ડ કેબલ બીછાવ્યા છે.માત્ર શહેરના છેવાડાના હજી વિકસી રહેલા વિસ્તારો કે પછી જ્યાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનુ શક્ય નથી તેવા જ વિસ્તારોમાં ૧૧ કેવીની લાઈન ઓવરહેડ છે.જોકે અકસ્માત નિવારવા માટે હાઈ ટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરનાર વીજ કંપની સામે કેબલ કપાવવાની નવી સમસ્યા ઉભી થઈ છે.
કોર્પોરેશન સહિત વિવિધ એજન્સીઓ તથા ખાનગી કંપનીઓનુ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈને કોઈ કારણસર ખોદકામ ચાલુ રહેતુ હોય છે અને તેના કારણે વીજ કંપનીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ વારંવાર કપાઈ જાય છે.જેના કારણે વીજ પુરવઠો ખોરવાય ત્યારે લોકોના આક્રોશનો સામનો વીજ કંપનીએ કરવો પડે છે જ્યારે ખરેખર વાંક તો ખોદકામ કરનાર એજન્સીનો કે તેના કોન્ટ્રાકટરનો હોય છે.
વીજ કંપનીના એમડી તેજસ પરમારના કહેવા પ્રમાણે એપ્રિલ-૨૦૨૩ થી મે-૨૦૨૩ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ એજન્સીઓ કે કંપનીઓના ખોદકામ દરમિયાન ૫૧૪ વખત અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાયો છે.આમ રોજ ઓછામાં ઓછો એક વખત વીજ કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાય છે તેવુ આ આંકડા કહી રહ્યા છે.જેના કારણે વીજ કંપનીને લાખો રુપિયાનુ નુકસાન પણ થયુ છે.કેબલ વધારે ક્ષતિગ્રસ્ત થયો હોય તો જોઈન્ટ મારવો પડે છે અને તેમાં સાત થી આઠ કલાકનો સમય જતો રહે છે.કેબલ ક્યાં કપાયો છે તે ડિટેકટ કરવા માટેની કેબલ ડિટેક્શન વાનને પણ ૨૪ કલાક તૈનાત રાખવી પડે છે.
કેબલ કાપનાર સામે કાર્યવાહી કરવાના નિયમો બનાવવા વિચારણા
દર વર્ષે કેબલ કપાવવાની ઘટનાઓ બને છે પણ આજ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીએ તેના માટે જવાબદાર એજન્સી કે કોન્ટ્રાક્ટરને એક પણ રુપિયો દંડ કર્યો નથી.તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.જોકે કોર્પોરેશન સહિતના વિભાગોને વારંવાર જાણકારી આપ્યા પછી પણ કેબલ કપાવાની ઘટનાઓ નહીં અટકી રહી હોવાથી હવે વીજ કંપનીએ તેની સામે એક ચોક્કસ નીતિ ઘડવાની વિચારણા શરુ કરી છે.જેમાં વીજ કંપનીને કેબલ કપાવાથી થયેલુ નુકસાન તથા સમારકામ દરમિયાન બંધ રહેલા પાવર સપ્લાયના કારણે થયેલુ નુકસાન ભરપાઈ કરવાની પણ જોગવાઈ હશે.
અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કના આંકડા
વડોદરામાં ૧૧ કેવીની હાઈટેન્શન લાઈનની કુલ લંબાઈ ૧૮૨૭ કિલોમીટર છે.આ પૈકી ૧૨૫૯ કિલોમીટરની લાઈન અન્ડરગ્રાઉન્ડ છે અને ૫૫૯ કિલોમીટરની લાઈન ઓવરહેડ છે.આ જ રીતે લો ટેન્શન લાઈનની લંબાઈ ૩૦૫૦ કિલોમીટરની છે અને તેમાંથી ૨૫૮૫ કિલોમીટર લાઈન ઓવરહેડ છે તથા ૪૬૪ કિલોમીટરની લાઈન અન્ડરગ્રાઉન્ડ છે.
વીજ કંપનીના અધિકારીઓ સરકારી વિભાગ સાથે સંકલન કરે છે પણ...
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, અન્ડર ગ્રાઉન્ડ કેબલ જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં સાઈન બોર્ડ છે.ઉપરાંત કોર્પોરેશન તથા ગેસ કંપની અને બીજી એજન્સીઓ અને વિભાગોના અધિકારીઓ સાથે વીજ કંપનીના અધિકારીઓ કો ઓર્ડિનેટ કરવા માટે નિયમિત બેઠકો પણ યોજે છે.ઉપરાંત કોઈ પણ કંપનીએ ખોદકામ કરવુ હોય તો વીજ કંપનીનો સંપર્ક કરવો પણ જરુરી છે.જેથી વીજ કંપની કેબલ ક્યાંથી જાય છે તેની જાણકારી આપી શકે.આમ છતા કેબલો કપાવાની ઘટનાઓ અટકી રહી નથી.
બોર્ડ પરીક્ષામાં વીજળી ગુલ થઈ હતી, અન્ય કિસ્સામાં એક લાખ લોકો હેરાન થયા
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, વીજ કંપની બીજા માટે સોફટ ટાર્ગેટ છે.માર્ચ મહિનામાં બોર્ડ પરીક્ષા વખતે વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરે વાઘોડિયા રોડના કલાદર્શન ચાર રસ્તા પાસે ખોદકામ કરવાની ના પાડી હોવા છતા કોર્પોરેશનના કોન્ટ્રાકટરે ખોદકામ કર્યુ હતુ અને કેબલ કપાવાથી બે સ્કૂલોમાં ચાલુ પરીક્ષાએ વીજળી ગુલ થઈ હતી.આ જ રીતે જેટકોના કારેલીબાગ સબ સ્ટેશનનો અન્ડરગ્રાઉન્ડ કેબલ કોઈએ કાપી નાંખતા એક લાખ ગ્રાહકોનો વીજ સપ્લાય રાત્રે કલાકો સુધી બંધ રહ્યો હતો.