વડોદરામાં પૂરના કારણે એમજીવીસીએલને આઠ કરોડનું નુકસાન, 6000 મીટર બદલવા પડશે
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી ઓસરી ગયા છે અને તબાહીના નિશાન છોડતા ગયા છે.પૂરના પાણી ઉતર્યા બાદ સફાઈ અને નુકસાનની ગણતરીનો આંકડો મૂકાઈ રહ્યો છે.
મધ્ય ગુજરાત વીજ કંપનીને એકલા વડોદરા શહેરમાં પૂરના કારણે આઠ કરોડ રુપિયાનુ નુકસાન થયું છે.હજી ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે વરસાદ અને પૂરમાં વીજ કંપનીના ૪૫ થાંભલા શહેરમાં પડી ગયા હતા અને ૪૫ જેટલા ટ્રાન્સફોર્મર પાણી ઘૂસી જવાના કારણે બદલવા પડયા હતા.બેઝમેન્ટો અને ગ્રાઉન્ડ ફ્લોર પાણી પ્રવેશી જવાના કારણે ૬૦૦૦ મીટરો બદલવાની જરુરિયાત ઉભી થઈ છે.જેમાં ૩૦૦૦ મીટર અત્યાર સુધીમાં બદલવામાં આવ્યા છે અને ૩૦૦૦ મીટર બદલવાની કવાયત ચાલી રહી છે.
વીજ કંપનીના એમડી તેજસ પરમારે કહ્યું હતું કે, મધ્ય ગુજરાત વીજ કંપની તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો એમ કુલ ૬૧૫ ટેકનિકલ કર્મચારીઓ તેમજ અધિકારીઓની ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને ૨ દિવસમાં ૧૦૦ ટકા વિસ્તારોમાં પાવર સપ્લાય ફરી શરુ કર્યો હતો.પૂરના કારણે કુલ ૧૧૭ ફીડરો અને ૬૧૫ ટ્રાન્સફોર્મરોને કોઈને કોઈ તબક્કે બંધ રાખવા પડયા હતા.અકોટા માંજલપુર, સમા, કારેલીબાગ, હરણીમાં સૌથી વીજ પુરવઠો સૌથી વધારે પ્રભાવિત થયો હતો. વીજ કંપનીના સપ્લાયથી કરંટ લાગવાના કારણે કોઈનુ મોત થયું નથી.શહેરમાં જન મહેલ અને સેન્ટ્રલ એસટી ડેપોમાં હજી પણ પાણી કાઢવાની કામગીરી ચાલી રહી હોવાથી વીજ સપ્લાય શરુ કરી શકાયો નથી તેમ સૂત્રોએ કહ્યું હતું.