જેતલપુર રોડ પરના રહેવાસીને ૧૩.૪૫ લાખના વીજ બિલનો મેસેજ મળ્યો
વડોદરાઃ શહેરમાં સ્માર્ટ વીજ મીટરો સામે લોકોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લાગ્યા બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૧૩.૪૫ લાખ રુપિયાના વીજ બિલનો મેસેજ મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.દરમિયાન વીજ કંપનીનુ કહેવુ છે કે, આ ભૂલથી મોકલાયેલો મેસેજ છે અને આ વ્યક્તિનુ તા.૩૦ મેના રોજ બાકી પડતુ બિલ ૨૪૮ રુપિયા છે.
જેતલપુર વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમખાન પઠાણ નામના વ્યક્તિ આજે અલકાપુરીની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, મારા પરિવારમાં ચાર દીકરીઓ છે અને લાઈટ તથા પંખાને બાદ કરતા વધારે વીજ વપરાશ થાય તેવા કોઈ ઉપકરણો નથી.બોરિંગમાંથી પાણી ખેંચવા માટે ૧૫ મિનિટ મોટર ચાલે છે તેટલુ જ.સામાન્ય રીતે મારુ બિલ ૨૫૦૦ રુપિયાની આસપાસ આવતુ હોય છે પણ તાજેતરમાં મને વીજ કંપનીએ મોકલેલા મેસેજમાં બાકી પડતુ વીજ બિલ ૧૩.૪૫ લાખ રુપિયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ બિલને લઈને મેં છેલ્લા પંદર દિવસમાં વીજ કંપનીની કચેરીમાં વારંવાર રજૂઆત કરી છે પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી.હું તો ડ્રાઈવિંગ કરુ છું અને માંડ માંડ મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છું.
તેમણે કરેલી રજૂઆતને હાજર રહેલા બીજા લોકોએ પણ સમર્થન આપ્યુ હતુ અને તેને લઈને ઉહાપોહ થયો હતો.એ પછી આ જાણકારી વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓ પાસે પહોંચી હતી.વીજ કંપનીના સત્તાધીશોએ આ બાબતે સ્પષ્ટતા કરીને કહ્યુ છે કે, ગ્રાહક મોબાઈલ એપ પર પોતાના વીજ બિલનો સાચો આંકડો જાણી શકે છે અથવા સબ ડિવિઝન ઓફિસમાં જઈને પણ જાણકારી મેળવી શકે છે.આ ગ્રાહકનુ બાકી બિલ ૨૪૮ રુપિયા છે.
ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ આ પ્રકારનો બીજો છબરડો સામે આવ્યો છે.આ પહેલા વીજ કંપનીએ અન્ય એક ગ્રાહકને ૯.૪૫ લાખના બિલનો મેસેજ મોકલ્યો હતો.હકીકતમાં તેનુ બિલ ૧૦૭૩ રુપિયા હોવાનુ પાછળથી વીજ કંપનીએ કહ્યુ હતુ.