મધ્ય ગુજરાતમાં સોલર રુફ ટોપ પ્લાન્ટસના કારણે ૪૮૫૦ મિલિયન વીજ યુનિટની બચત
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરુપે વીજ બચત થકી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો કરવાના પ્રયાસોની જાણકારી પણ અપાઈ હતી.
વીજ કંપનીનુ કહેવુ છે કે, ઉજાલા યોજના હેઠળ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૬૦.૮૮ લાખ એલઈડી બલ્બનુ વિતરણ રવામાં આવ્યુ છે અને તેના કારણે ૨૫૯.૫૦ લાખ મિલિયન વીજ યુનિટની બચત થઈ છે.જેના કારણે ૫૨૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટયુ છે.સાથે સાથે મધ્ય ગુજરાતમાં ૧.૧૨ લાખ સોલર રુફ ટોપ પ્લાન્ટ સરકારની સબસિડીવાળી યોજનાના ભાગરુપે ઈન્સ્ટોલ કરાયા છે.
આ રુફ ટોપ પ્લાન્ટસના કારણે ૪૮૫૦ મિલિયન યુનિટ વીજળીની બચત થઈ છે અને કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં તેના કારણે ૮.૬૭ લાખ ટનનો ઘટાડો નોંધાયો છે.મધ્ય ગુજરાત વીજ કંપનીના તમામ કાર્યાલયોમાં ૮૫૦ કિલો વોટની ક્ષમતા ધરાવતા રુફ ટોપ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૩૪ લાખ સ્માર્ટ વીજ મીટરો લગાડવાનો પ્રોજેકટ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે અને તેના કારણે પણ વીજ વપરાશની બચત થશે.લોકો વીજળીનો બીન જરુરી વેડફાટ અટકાવીને પણ વીજ બચતમાં અને તેના થકી કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનના ઘટાડામાં ફાળો આપી શકે છે.એક અંદાજ પ્રમાણે દર મહિને દરેક ઘરમાં સરેરાશ ૩૫ ટકા વીજળી બીનજરુરી રીતે વેડફાય છે.જેના કારણે દરેક ઘરનો ખર્ચો તો વધે જ છે પણ તેનો બોજો દેશ પર અને પર્યાવરણ પર પડે છે.દરમિયાન વીજ કંપનીના રેસકોર્સ સ્થિત હેડક્વાર્ટર તેમજ બીજી વીજ કચેરીઓના કર્મચારીઓ દ્વારા ઉર્જા સંરક્ષણ પદયાત્રાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.