ગોધરાની મહિલાનું કોલકાતાની હોસ્પિટલમાં ૧૧ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ પરિવાર સાથે મિલન
હાલોલ,તા.15ઃ માનસિક અસ્થિર મહિલા કોલાકાતા પહોંચી ગઈ, પતિનુ મોત થયુ અને સમાજે બાળકોને અનાથ માની લીધા, આજે પોલીસ ગોધરા પાછા લાવે તેવી શક્યતા
૭૦ અને ૮૦ના દાયકામાં ં વર્ષો બાદ વિખૂટા પડેલા માતા-પિતા અને બાળકોનુ મિલન થતુ હોય તેવી ઘણી ફિલ્મો સુપરહિટ થઈ હતી.જોકે આ ફિલ્મો જેવી એક ઘટના વાસ્તવિકતામાં બની છે.ગોધરા તાલુકાની માનસિક રીતે અસ્વસ્થ મહિલાનુ ૧૧ વર્ષ બાદ પોતાના બાળકો સાથે પુન મિલન થવા જઈ રહ્યુ છે.
તકદીર માણસની જિંદગીને ક્યાં અને ક્યારે કયા રસ્તે વાળશે તેની કોઈને જાણ હોતી નથી.ગોધરા તાલુકાના નાનકડા ગામમાં રહેતા સીમાબેન( નામ બદલ્યુ છે) અને તેમના પરિવાર સાથે આવુ જ થયુ છે. ૨૦૧૩માં સીમાબેન લગ્નમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા.તેમનુ મગજ તે વખતે પણ અસ્થિર હતુ.સીમાબેન ઘરે પાછા નહીં આવતા પરિવારે બે વર્ષ સુધી તેમની શોધખોળ કરી હતી અને આખરે પરિવારે માની લીધુ હતુ કે, હવે સીમાબેન કાયમ માટે ઘરે પાછા નહીં આવે.
જોકે હવે ૧૧ વર્ષ બાદ પરિવારને જાણ થઈ છે કે, સીમાબેન જીવતા છે અને કોલકાતાની હોસ્પિટલમાં છે.૧૧ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ ગીતાબેનને અચાનક ભાન આવ્યુ હતુ અને તેમણે પોતાના પરિવારજનોને યાદ કર્યા હતા.હોસ્પિટલના સ્ટાફે આખરે સ્થાનિક તંત્રને જાણ કરી હતી.
અધિકારીઓએ માટે પણ આ પ્રકારના સંજોગો આશ્ચર્યચકિત કરવા માટે પૂરતા હતા.આખરે વિડિયો કોલ પર ગોધરા પોલીસ મથકનો અને બાદમાં મહિલાના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.સીમાબેને પરિવારના સભ્યો સાથે વિડિયો કોલ પર વાત કરી હતી અને તે પોતાના બાળકોને ઓળખી ગયા હતા.
મેળાપની આ કહાનીનુ કરુણ પાસુ એ પણ છે કે, ૧૧ વર્ષના સમયગાળા દરમિયાન સીમાબેનના પતિ આ દુનિયા છોડી ગયા છે.મહિલાના બે પુત્રો અને એક પુત્રી એકલા રહી ગયા હતા અને સમાજે તેમને અનાથ પણ માની લીધા હતા.આ બાળકો તો છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
તેમની પાસે તો માતાને પરત લાવવાના પણ પૈસા નહીં હોવાથી પોલીસની મદદ માંગી હતી.મળતી વિગતો પ્રમાણે ગોધરા પોલીસે સીમાબેનને કોલકાતાથી ટ્રેન મારફતે ગોધરા લાવવા માટે તજવીજ હાથ ધરી છે.આવતીકાલે કે ૧૬ ફેબુ્રઆરીએ તેમને લઈને પોલીસ ગોધરા પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાતીમાં બોલવાનુ શરુ કરતા હોસ્પિટલનો સ્ટાફ મૂંઝવણમાં મુકાયો
કોલકાતાની હોસ્પિટલના સ્ટાફ માટે પણ આ ઘટના ચમત્કારથી ઓછી નથી.૧૧ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ ભાનમાં આવેલી મહિલાએ ગુજરાતીમાં વાતચીત શરુ કરી હતી.કારણકે તેમને હિન્દી આવડતુ નહોતુ.બીજી તરફ હોસ્પિટલના સ્ટાફને ગુજરાતીમાં ખબર પડતી નહોતી.જોકે હોસ્પિટલે વહિવટીતંત્રનો સંપર્ક કર્યો હતો અને ગુજરાતી ભાષાના જાણકારની મદદથી મહિલા પાસે જાણકારી મેળવી હતી.જેના આધારે ખબર પડી હતી કે, તે ગુજરાતના ગોધરા તાલુકાના રહેવાસી છે.
મહિલા કોલકાતા કેવી રીતે પહોંચી તેનો જવાબ મળવાનો બાકી
સીમાબેન ઘરેથી નીકળીને કોલકાતા કેવી રીતે પહોંચ્યા તેમજ કોમામાં કેવી રીતે જતા રહ્યા તેવા સંખ્યાબંધ પ્રશ્નોના જવાબ ગોધરા પોલીસ હવે સીમાબેનને લઈને પાછા આવશે તે બાદ કદાચ જાણવા મળશે.હાલમાં તો સીમાબેનના બાળકો પોતાના માતાના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.