વડોદરા જિલ્લાની પાદરા નગરપાલિકામાં અભૂતપૂર્વ કિસ્સોઃબાંધકામ સમિતિના ચેરપરસનનું સભ્યપદ રદ
વડોદરાઃ વડોદરા જિલ્લાની પાદરા નગર પાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયેલા મહિલા સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરપરસન ઇલાબેનને પાલિકાની સભાઓમાં સતત ગેરહાજર રહેવા બદલ સભ્યપદેથી બરખાસ્ત કરવામાં આવ્યા છે.
પાદરા નાગર પાલિકાની વર્ષ-૨૦૨૦ માં યોજાયેલી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-૩ માંથી ઇલાબેન પટેલ અપક્ષ તરીકે ચુંટાઇ આવ્યા હતા.આ ચૂંટણીમાં કુલ ૨૮માંથી ૨૩ સભ્યો ભાજપના હતા.જ્યારે બાકીના પાંચ સભ્યોએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું.જેથી ઇલાબેન પણ ભાજપ સમર્થિત સભ્ય હતા અને તેમને બાંધકામ સમિતિના ચેરપરસન તરીકે હોદ્દો પણ સોંપવામાં આવ્યો હતો.
ઇલાબેન પટેલ સક્ષમ અધિકારી ની પરવાનગી સિવાય કે કોઇ પણ જાતના રિપોર્ટ મુક્યા વગર વિદેશ ચાલ્યા ગયા હતા.જેથી તે સમય ગાળા દરમ્યાન પાદરા પાલિકાની મળેલી ત્રણ મીટિંગમાં તેઓની સતત ગેરહાજરી રહી હતી.આ બાબતની જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી હતી અને સુઓમોટો દ્વારા ગુજરાત મ્યુનિસિપલ અધિનિયમની કલમ ૩૯/૧ હેઠળ કાર્યવાહી કરી ઇલાબેનનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો.આ પ્રકારનો કિસ્સો પાદરા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર બનતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
પાદરા પાલિકામાં 27 સભ્યો રહ્યા, વોર્ડ-3માં ચૂંટણી યોજાશે
હવે પાદરા નગર પાલિકા માં હાલ માં ૨૮ સભ્યો માંથી ૧ સભ્ય પદ રદ્દ થતા હવે કુલ ૨૭ સભ્યો રહ્યા છે.
વોર્ડનંબર-૩ના મહિલા સદસ્યનું સભ્ય પદ રદ થતાં આગામી સમયમાં આ વોર્ડમાં ચૂંટણી યોજાશે અને તેની ટિકિટ માટે અત્યારથી ઉમેદવારો તૈયારીમાં પણ લાગી ગયા છે.
ઇલાબેન પટેલ પાદરા નગર પાલિકા માં બાંધકામ શાખાના ચેરમેન હતા અને તેઓ નગરપાલિકાની તા.૩-૧૦-૨૩, તા.૧૯-૧-૨૪ અને તા.૨૯-૨-૨૪ ની સામાન્ય સભા માં ગેરહાજર રહ્યા હતા.
કલેક્ટરની સુનાવણીમાં ઇલાબેન વતી પુત્ર હાજર રહ્યા
પાદરા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરપરસન ઇલાબેન ત્રણ સભામાં સતત ગેરહાજર રહેતાં કલેક્ટરે તેમની સામે કાર્યવાહી કરી હતી.કલેક્ટરની સુનાવણી દરમિયાન ઇલાબેનના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર કરણ પટેલ હાજર હતા.પરંતુ તેમની પાસે કોઇ સંતોષકારક દલીલ કે માહિતી નહિ હોવાથી કલેક્ટરે સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો.