વડોદરામાં શ્રીજી વિસર્જન યાત્રામાં મહેતાપોળની સવારીનું આકર્ષણ,પુર,કોલકાત્તા રેપ કેસ,T-20 ટ્રોફી જેવા ફ્લોટ્સ છવાયા
વડોદરાઃ શ્રીજી વિસર્જન દરમિયાન માંડવી પાસેની મહેતાપોળની સવારી અલગ ભાત પાડતી હોય છે.આ સવારીમાં પર્યાવરણને અનુલક્ષીને અબીલ ગુલાલને બદલે ૧૦૦ કિલો પુષ્પવર્ષા કરવામાં આવે છે.આ ઉપરાંત સમાજ અને દેશના મુદ્દા પણ રજૂ કરવામાં આવે છે.
આજે મહેતાપોળની સવારીમાં શ્રીજીની પ્રતિમા રજવાડી ઠાઠમાં કાઢવામાં આવી હતી.આ સવારીમાં દેવીદેવતા અને મહાન પુરુષોની વેશભૂષામાં બાળકો સજ્જ હતા. જ્યારે,ટી-૨૦ની વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરોના ચહેરા જેવા જ યુવકોને ટ્રોફી સાથે હાજર રાખતાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હતા.
મહેતા પોળ યુવક મંડળના આગેવાન મિનેષ શાહ અને એનઆર શાહે કહ્યું હતું કે,ચક દે ઇન્ડિયાના ફ્લોટની સાથે સાથે વિશ્વામિત્રીના પુર,ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ મુકવા,કોલકાત્તાનો ડોક્ટર યુવતીનો રેપ કેસ વગેરે મુદ્દા રજૂ કરાયા હતા.જ્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોદીના નામે મતની ખેતી કરી છે તો તેમની લાજ રાખો,દબાણો તોડો, કાંસો ખોલો..તેવા પોસ્ટર્સ પણ રજૂ કર્યા હતા.