રિફાઇનરીની આગમાં મેજિસ્ટ્રેટ તપાસના આખરે આદેશ અપાયા
તા.૨૬મીએ એસડીએમ ગ્રામ્ય કચેરીએ વિગતો રજૂ કરી શકાશે
વડોદરા, તા.17 વડોદરામાં કોયલી ખાતે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગની ઘટનાની મેજેસ્ટ્રિયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટર દ્વારા આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, આઇ.ઓ.સી.એલ.(ગુજરાત રિફાઇનરી)ના પ્લાન્ટમાં તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલિયમ અધિનિયમ-૧૯૩૪ની કલમ- ૨૮ મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૯૬ હેઠળ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ અંગેની તપાસ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૪ના રોજ કોઠી કચેરીમાં સવારના ૧૧ વાગ્યાથી બપોરના એક વાગ્યા દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. જે કોઈ હિત સંબંધ ધરાવતા લોકો ગુજરાત રીફાઇનરીમાં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજૂ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા કે હકિકતો રજૂ કરી શકશે.