આર્ટસના દરેક પ્રોફેસરને વધારાની એક જવાબદારી લેવાનું સૂચન
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પાદરા કોલેજની અણધારી મુલાકાત લેનારા વાઈસ ચાન્સેલરે આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર કેટેગરીના અધ્યાપકો સાથે પણ બેઠક યોજી હોવાની વિગતો સપાટી પર આવી છે.પહેલી વખત એવુ બન્યુ છે કે, માત્ર પ્રોફેસર કેટેગરીના અધ્યાપકોને બોલાવીને તેમની સાથે વાઈસ ચાન્સેલરે બેઠક યોજી હોય.
મળતી વિગતો પ્રમાણે આર્ટસમાં પ્રોફેસર કેટેગરીના ૧૭ જેટલા અધ્યાપકો છે.આ તમામને હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા.જ્યાં વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે તેમની સાથે એક બેઠક યોજી હતી.
અધ્યાપક આલમમાં ચર્ચાતી જાણકારી પ્રમાણે આ અધ્યાપકોને પહેલા તો પોતાની ઓળખ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ.એ પછી વાઈસ ચાન્સેલરે તેમની પાસે આર્ટસ ફેકલ્ટીને લઈને સૂચનો માંગ્યા હતા.સાથે સાથે દરેક પ્રોફેસરને ભણાવવા સિવાય એક વધારાની જવાબદારી લેવા માટે પણ કહ્યુ હતુ.
વાઈસ ચાન્સેલરે દરેક પ્રોફેસરને પૂછ્યુ હતુ કે, તમે કઈ વધારાની જવાબદારી લેશો અને તેને લઈને દરેક પ્રોફેસર પાસેથી જવાબ પણ લીધો હતો.સાથે સાથે આર્ટસ ફેકલ્ટીને એક વર્ષમાં પાંચ નવા એમઓયુ કરવા માટે પણ આ બેઠકમાં ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.અધ્યાપક આલમમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, માર્ચ મહિનામાં વર્તમાન ડીન પ્રો.આધ્યા સક્સેનાની મુદત પૂરી થઈ રહી છે અને નવા ડીનની નિમણૂંક કરવાના ભાગરુપે વાઈસ ચાન્સેલરે બેઠક યોજવાના બહાને સંભવિત ઉમેદવારોનો પરિચય મેળવ્યો હતો.