પોલીસ અને ગરબા આયોજકોની મીટિંગઃ મેડિકલ ઇમરજન્સી ફરજીયાત..ગરબા આયોજકોની ટ્રાફિક માટે રજૂઆત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
પોલીસ અને ગરબા આયોજકોની મીટિંગઃ મેડિકલ ઇમરજન્સી ફરજીયાત..ગરબા આયોજકોની ટ્રાફિક માટે રજૂઆત 1 - image

નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજે પોલીસ કમિશનરે તમામ મોટા  ગરબા આયોજકોની મીટિંગ  બોલાવી જરૃરી સૂચનાઓ આપી હતી.જેમાં મેડિકલ ઇમરજન્સી ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે બોલાવેલી ગરબા આયોજકોની મીટિંગમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.જ્યારે સામે પક્ષે ૫૦ થી વધુ આયોજકો હાજર રહ્યા હતા.પોલીસ કમિશનરે યુવાનોમાં હાર્ટએટેકના બની રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ,તાલીમબધ્ધ કાર્યકરો, ઓક્સિજન,મેડિકલ કિટ જેવી સુવિધાઓ ઉપરાંત ઇમરન્સી એક્ઝિટની સવલત રાખવા અપીલ કરી હતી.

મહિલાઓની સુરક્ષા માટે હેલ્પ ડેસ્ક ઉપરાંત જોઇ શકાય તેવા શી ટીમના હોર્ડિંગ્સ, સ્ટેજ,વાયરિંગ વગેરેના એનઓસી અને ટ્રાફિક વ્યવસ્થા માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા.પાર્કિંગની અંદર ખાનગી સિક્યુરિટી વ્યવસ્થા રાખી પોલીસ સાથે સંકલન કરશે.

ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે અને તેમની સાથે આયોજકો તેમજ કાર્યકરો સંકલનમાં રહેશે.

ગરબા આયોજકોની વળતી રજૂઆતઃ ખેલૈયાઓ માટે ટ્રાફિકની મોટી સમસ્યા,ભારદારી વાહનો બંધ કરાવો

ગરબા આયોજકોએ પણ તેમને પડતી મુશ્કેલી બાબતે પોલીસ કમિશનરને વળતી રજૂઆત કરી હતી.

ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની હોવાની રજૂઆત કરી હતી.ગરબાના સમય દરમિયાન પોલીસ ભારદારી વાહનોની એન્ટ્રી બંધ કરાવે તે જરૃરી છે.

આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડની બહાર લારી-ગલ્લા અને પથારાની સમસ્યા,ફૂટપાથ પર અને આસપાસના સ્થળોએ આડેધડ પાર્કિંગ પણ મોટી સમસ્યા હોવાની રજૂઆત કરાઇ હતી.તો કેટલાકે ગરબા પુરા થયા બાદ ખાણી-પીણીના સ્ટોલ ઉતાવળે બંધ ના કરાવાય તેવી પણ રજૂઆત કરી હતી.


Google NewsGoogle News