અગાશી પર કપડા સૂકવવાના તારને અડકતા મેડિકલના વિદ્યાર્થીનું મોત
વરસતા વરસાદમાં અગાશી પર કપડા લેવા જતા કરંટ લાગતા સ્થળ પર જ મોત
વડોદરા,અગાશી પર કપડા સૂકવવા બાંધેલા તારને અડકતા આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત થયું હતું. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સુરતના ઘોડાદરા કુબેર નગરમાં રહેતો ૨૨ વર્ષનો વેદપ્રકાશ ભોલાનાથ યાદવ પારૃલ યુનિવર્સિટીમાં આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરે છે. તેના મિત્ર સાથે વાઘોડિયા રોડ ધનલક્ષ્મી સોસાયટીમાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. તેઓએ કપડા સૂકવવા માટે અગાશી પર તાર બાંધ્યો હતો.ગઇકાલે સાંજે સાત વાગ્યે તે અગાશી પર કપડા સૂકવવા ગયો હતો. તે દરમિયાન કરંટ લાગતા તે ઢળી પડયો હતો અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. થોડીવાર પછી તેનો મિત્ર અગાશી પર આવ્યો ત્યારે વેદપ્રકાશને ઢળી પડેલો જોતા એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ, તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. બાપોદ પોલીસે મૃતકની લાશ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.