મેડિકલ ફિટનેસ સર્ટિ. લઈ આજીવન સભ્યોને KYC જેવું નવું કાર્ડ અપાશે
મેડિકલ ફિટનેસ સર્ટિ. પણ ચોક્કસ મુદત નક્કી કરી લઈ લેવાશે : ચાર સ્વિમિંગ પૂલના ૯૬૬૫ સભ્યો છે
વડોદરા,વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વડી વાડી ખાતેના સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં ગઈ સાંજે સ્વિમિંગ કરવા આવેલી ૬૦ વર્ષની મહિલાને ગભરામણ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે. હવે શહેરના ચારેય સ્વિમિંગ પૂલ ખાતે આવતા આજીવન સભ્યોનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથેનું કેવાયસી પ્રકારનું નવું કાર્ડ આપવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા મેડિકલ ફિટનેસ માટે જે ફોર્મ આપવામાં આવશે, તેના પર પોતાના ડોક્ટરના સહી સિક્કા આજીવન સભ્યએ કરાવવાના રહેસે, જેમાં સભ્ય સ્વિમિંગ માટે ફિટ હોવાનું દર્શાવેલું હશે. કોર્પોરેશનના ૧૯૭૫ અને ૧૯૮૫ માં બનેલા ત્રણ સ્વિમિંગ પૂલ અને બાદમાં કારેલીબાગ ખાતે થોડા વર્ષ પહેલાં બનેલા સ્વિમિંગ પૂલ મળી ચારેય સ્વિમિંગ પૂલ ખાતે આજીવન સભ્યોની સંખ્યા આશરે ૯,૬૬૫ છે. ૧૯૭૫ ના સ્વિમિંગ પૂલના આજીવન સભ્યોના કાર્ડ ત્યારથી અપડેટ કરાયા નથી. ઘણા સભ્યો તો આવતા પણ નહીં હોય.
અત્યાર સુધી એક વખત મેડિકલ સર્ટિફિકેટ લઈ લેવાતું હતું, પરંતુ ગઈકાલની ઘટના બન્યા બાદ હવે કોર્પોરેશન મેડિકલ સર્ટિફિકેટ એક વર્ષે અતવા પાંચ વર્ષે લેવું તે પ્રકારનું નક્કી પણ કરશે, તેમ જાણવા મળ્યું છે. આજીવન સભ્યનું કાર્ડ એક પ્રકારનું નવું કેવાયસી જ હશે. જેમાં તેની તમામ પ્રકારની વિગતો અને અપડેટ થયેલો ફોટો હશે, હાલ કાર્ડમાં જે વિગતો છે તે પણ મેન્શન કરવામાં આવશે.
ગઈકાલના બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર દ્વારા જણાવાયું હતું કે, સાંજે ૬-૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, અને ૬.૫૫ કલાકે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ૬૦ વર્ષની આ મહિલાનું નામ ચેતનાબેન હતું, અને તેમણે આજીવન સભ્યપદ ૨૦૧૦ માં લીધું હતું. સ્વિમિંગ પૂલની બહાર આવતા તેમને ગભરામણ થઈ હતી, ત્યારે તેમને ચાલતા લઈ જઈ ખુરશી પર બેસાડયા હતા. નજીકમાં ગાર્ડનમાં આવતા તેમના પતિ અને પુત્રને જાણ કરી હતી. એ પહેલા સ્ટાફ દ્વારા તેમને નીચે સુવડાવ્યા હતા, રબિંગ કરવામાં આવ્યું હતું, અને બોલતા રહેવાનું પણ કહેવાયું હતું, જેથી કરીને તેમનો શ્વાસ ચાલુ રહે. અહીંથી હોસ્પિટલ તેઓ ગયા ત્યારે તેમનો શ્વાસ ચાલુ હતો, પલ્સ ચાલુ હતી. વ્યક્તિનો શ્વાસ બંધ થાય તો જ તેને સીપીઆર આપવાની આવશ્યકતા રહે છે તેમ તંત્રનું કહેવું હતું.