એમ.બી.બી.એસ.ના સ્ટુડન્ટે વધુ પડતો દારૃ પી લેતા બેભાન
સારવાર માટે સયાજીમાં દાખલ કરાયો : પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા.એમ.બી.બી.એસ માં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટે વધુ પડતા દારૃનું સેવન કરી લેતા તે બેભાન થઇ ગયો હતો. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોઠી ન્યૂ મેડિકલ બોય્ઝ હોસ્ટેલમાં રહેતો ૨૦ વર્ષનો પરમિતકુમાર નિર્મલકુમાર બૈરવા બરોડા મેડિકલ કોલેજમાંએમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઇકાલે રાતે અગિયાર વાગ્યે તે બેભાન અવસ્થામાં તેની રૃમમાંથી મળી આવતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે અજાણી દવા કે દારૃ પીધો હોવાનું જાણવા મળતા હોસ્પિટલ દ્વારા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન મેડિકલ સ્ટુડન્ટની હાલત ગંભીર હોવાથી આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો હતો. બપોરે તે ભાનમાં આવતા પોલીસને જામ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, રાતે તે મોપેડ લઇને સ્ટેશન વિસ્તારમાં ગયો હતો. ત્યાં કોઇ લારી પર તેણે દારૃ પીધો હતો. જેથી, રાવપુરા પોલીસે પરમિતકુમાર બૈરવા ( મૂળ રહે. ગોપાલપુરા ગામ, પોસ્ટ નટવાડા, જિ.ટાંક, રાજસ્થાન) સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરમિતકુમાર એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વધુ પડતા દારૃના નશાના કારણે તે બેભાન થઇ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું છે