અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાતે કાર ચાલકે ટક્કર મારતા એમબીએના વિદ્યાર્થીનું મોત

કાર ચાલકે બે મોપેડને અડફેટે લઇ હવામાં ફંગોળ્યા : કાર પણ રોડ પર ત્રણ વાર પલટી ગઇ : બે વિદ્યાર્થિની ગંભીર

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાતે કાર ચાલકે ટક્કર મારતા એમબીએના વિદ્યાર્થીનું મોત 1 - image

વડોદરા,અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાતે મોપેડ પાર્ક કરીને રોડની સાઇડ પર ઉભા રહીને વાતો કરતા ચાર વિદ્યાર્થીઓને પૂરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લઇ હવામાં ફંગોળ્યા હતા. અકસ્માતમાં એમબીએના  વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીઓેને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી  છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતી ૨૦ વર્ષની આસ્થા નયનભાઇ પરીખ હાલમાં સયાજીગંજ ડેરીડેન સર્કલ  પાસે સંસ્કાર પી.જી.માં રહે છે. આસ્થા સયાજીગંજમાં આવેલ અરીના એનિમેશનમાં અભ્યાસ કરે છે. ગઇકાલે રાતે સાડા અગિયાર વાગ્યે આસ્થા તેની મિત્ર રક્ષંદાના મોપેડ પર બેસીને અકોટા બ્રિજ પર ગયા હતા.  ત્યાં મોપેડ પાર્ક કરીને પાળી પર બેસીને તેઓ વાતો કરતા હતા. રાતના સવા બાર વાગ્યે નવલખી રોડ  તરફથી એક કાર  પૂરઝડપે આવી હતી. કાર ચાલકે મોપેડને ટક્કર મારી હતી. તેના કારણે આસ્થાને ફંગોળાઇને પડી હતી. જ્યારે થોડે દૂર મોપેડ પાર્ક કરીને વાતો કરતા પ્રીતિ શર્મા અને આકાશને  પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. અક્સમાત બાદ કાર  પણ પાળી સાથે ધડાકાભેર અથડાઇ હતી અને રોડ પર ત્રણ વખત પલટી ખાઇ ગઇ હતી. તેઓને  પણ ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતા ઇજાગ્રસ્ત આસ્થા, પ્રીતિ શર્મા તથા આકાશ ચોમલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, આકાશનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આસ્થા અને પ્રીતિની સારવાર ચાલુ છે. આ અંગે આસ્થાએ ફરિયાદ નોંધાવતા અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલક કલ્પ કનકભાઇ પંડયા ( રહે.સાંઇ હાઇટ્સ, એસ.આર.પી. ગૃપની બાજુમાં, મકરપુરા) તથા તેની મિત્ર સૃષ્ટિ સંકેતભાઇ દેસાઇ, ઉ.વ.૨૩ ( રહે. બાલાજી દર્શન ફ્લેટ, વાઘેશ્વરી સોસાયટી સામે, વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કાર ચાલક કલ્પ એન્જિનિરીંગમાં  અને મૃત્યુ પામનાર આકાશ પારૃલ યુનિવર્સિટીમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતો હતો.


કારમાંથી દારૃની બોટલ આવતા  પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો 

 વડોદરા,પોલીસને કલ્પની કારમાંથી દારૃ ભરેલી પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી. જેમાં સોડા સાથે દારૃ મિક્સ કરેલો હતો. પોલીસે આ દારૃની બોટલ કબજે લીધી છે. દારૃની બોટલ અંગે પોલીસે હાથ ધરેલી તપાસ  દરમિયાન આરોપીએ કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા તેના મિત્રની ત્યાં પાર્ટી હતી. તે સમયે પ્લાસ્ટિકની બોટલમાં સોડા સાથે દારૃ ભર્યો હતો. રાતે અકસ્માત થયો ત્યારે કલ્પની પણ  હાલત એવી હતી કે, લોકોને લાગ્યું હતું કે, તેણે દારૃનો નશો કર્યો છે.  પરંતુ,  તપાસ દરમિયાન તેણે નશો કર્યો નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે.



સૃષ્ટિ ત્રણ દિવસ પહેલા જ કેનેડાથી આવી હતી 

 વડોદરા, પોલીસે કાર કબજે લીધી છે. કાર ત્રણ વખત પલટી ગઇ હોવાથી કાર ચલાવતા કલ્પને  પણ ઇજાઓ થઇ હોવાથી તેને  પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કલ્પ મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. જ્યારે તેની સાથે કારમાં બેઠેલી તેની મિત્ર સૃષ્ટિ  કેનેડામાં અભ્યાસ કરે છે. તે ત્રણ દિવસ પહેલા જ વડોદરા આવી હતી. તેના પિતા દાહોદમાં આઇસક્રીમ  પાર્લર ચલાવે છે. આ ગુનો દાખલ થતા તેનું વિદેશ ફરીથી જવાનું ઘોંચમાં  પડી જશે.


સગાઇ થાય તે  પહેલા જ કલ્પ અને સૃષ્ટિને જેલમાં જવાનો વારો આવ્યો 

વડોદરા,અકસ્માતમાં જીવ ગુમાવનાર આકાશ રાકેશભાઇ ચોમલ વાઘોડિયા રોડની  રૃદ્રાક્ષ સોસાયટીમાં રહે છે. તે એમ.બી.એ.નો અભ્યાસ કરતો હતો. જ્યારે તેની સાથે અકોટા બ્રિજ પર બેસેલી પ્રીતિ રાજેન્દ્રપ્રસાદ શર્મા વાસણા રોડ પર શબરી સ્કૂલની બાજુમાં રહે છે.તે પણ એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. તેની સાથે તે ઇન્ટર્નશિપ પણ કરે છે. જ્યારે આરોપી કલ્પ અને સૃષ્ટિની સગાઇ થવાની હોવાનું કલ્પે પોલીસને જણાવ્યું હતું.


અકસ્માતની ૧૫ મિનિટ પહેલા જ ત્રણ મિત્રો જતા રહેતા બચી ગયા

બ્રિજ પર નો પાર્કિંગ ઝોન  હોવાછતાંય લોકો વાહનો પાર્ક કરીને બેસી જાય છે

 વડોદરા,અકોટા - દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટનાર આકાશના મિત્રો પણ તેની સાથે બેઠા હતા. પરંતુ, અકસ્માતની ૧૫ મિનિટ પહેલા જ તેઓ ત્યાંથી નીકળી જતા તેઓનો બચાવ થઇ ગયો હતો. બ્રિજ પર મોડીરાતે લોકો વાહન પાર્ક કરીને બેસી રહેતા હોવાથી અકસ્માત થવાની શક્યતા વધી જતી હોય છે. અકોટા -  દાંડિયા બજાર બ્રિજ પર પણ એવી જ પરિસ્થિતિ છે. લોકો રોડ પર જ પોતાના વાહનો પાર્ક કરીને બેસી રહેતા હોય છે. જેના કારણે પોલીસની ગાડી રાતના ૧૨ વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરતી હોય છે. રોડ પર વાહનો પાર્ક કરતા લોકોને અટકાવતા હોય છે.  પરંતુ, વાહન ચાલકોને પણ આ વાતની જાણ હોવાથી રાતે ૧૨ વાગ્યે પેટ્રોલિંગ બંધ થતા જ વાહન ચાલકો વાહનો પાર્ક કરીને બેસે છે. જેના કારણે આવા અકસ્માતો થતા હોય છે.


Google NewsGoogle News