ઉનાવામાં દિપો માતાજીના મંદિરમાંથી રૃપિયા 32 હજારની મત્તાની ચોરી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ઉનાવામાં દિપો માતાજીના મંદિરમાંથી રૃપિયા 32 હજારની મત્તાની ચોરી 1 - image


ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ

તસ્કરો ચાંદીના છત્તર અને રોકડ રકમ ચોરીને પલાયન થઈ ગયા : પેથાપુર પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તોસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે શહેર નજીક આવેલા ઉનાવા ગામના દીપો માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અહીં ચાંદીના છત્તર અને રોકડ રકમ મળીને ૩૨ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં તસ્કરો સક્રિય થયા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉનાવા ગામમાં મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઉનાવા ગામના પ્રજાપતિ વાસમાં રહેતા અરવિંદભાઈ મફતભાઈ પ્રજાપતિના કૌટુંબિક ભાઈઓનું દિપો માતાનું મંદિર પ્રાથમિક શાળા પાસે આવેલું છે. જેમાં અરવિંદભાઈ સેવા પૂજા કરે છે. ગત મંગળવારના રોજ તેઓ મંદિરમાં ગયા ત્યારે માતાજીનો ફોટો ઝૂલા ઉપરથી ખસી ગયો હતો. જેથી તેમણે શંકાના આધારે તપાસ કરતા મંદિરમાં દાનપેટીનો તાળું તૂટેલી હાલતમાં હતું અને ગર્ભ ગૃહમાં માતાજીના ઉપર લગાવવામાં આવેલા ચાર જેટલા ચાંદીના છત્તર જોવા મળ્યા ન હતા. જેથી તેમણે આ સંદર્ભે તેમના મોટાભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક અજાણ્યો શખ્સ ચોરી કરતા જણાયો હતો. જેથી આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૩૨ હજારની મત્તાની ચોરીનો ગુનો દાખલ કરીને આ તસ્કરને પકડવા માટે મથામણ શરૃ કરી હતી.


Google NewsGoogle News