ગોધરાના 4 લાખની જાલી નોટોના કૌભાંડના સૂત્રધારના વડોદરાના મકાનમાં દરોડો,નોટ છાપવાનું મટિરિયલ મળ્યું
symbolic |
ગોધરાના પોલીટેકનિક રોડ પર મેશરી નદી પાસે એલસીબીએ બે ટુવ્હીલર પર સવાર બે જણાને ઝડપી પાડતાં તેમની પાસેથી રૃ.૫૦૦ના દરની ૮૦૦ ડુપ્લિકેટ નોટો મળી આવી હતી.જેથી પોલીસે મોહસીન શબ્બીર સિન્ધા(તાંદલજા, અલમીનાર હાઇટ્સ,મૂળ રહે.દાદાભાઇનું ફળિયું,કાટાસાયણ, હાંસોટ,ભરૃચ) અને સોએબ અબ્દુલ સત્તાર પટેલ(ધત્યા પ્લોટ અલી મસ્જિદ રોડ,ગોધરા) ને ઝડપી પાડી રિમાન્ડ પર લીધા હતા.
પોલીસની તપાસ દરમિયાન મોહસીને તેનો ભાઇ ઇમરાન શબ્બીર સિન્ધા તાંદલજાના મકાનમાં નોટો છાપતો હોવાની કબૂલાત કરતાં પોલીસની ટીમે તાંદલજાના ફ્લેટમાં દરોડો પાડયો હતો.પોલીસને મુખ્ય સૂત્રધાર તો હાથ લાગ્યો નહતો.પરંતુ મકાનમાંથી નોટો છાપવા માટે ના કાગળ, ઇન્ક અને અન્ય સોલ્યુશન મળી આવ્યા હતા.જેથી તમામ ચીજો કબજે કરી તપાસ જારી રાખી છે.
રૃ.20 હજારની અસલી નોટોના બદલામાં 1 લાખની ડુપ્લિકેટ નોટો આપતા હતા
દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે ડુપ્લિકેટ નોટોનું અનેક શહેરોમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે ગોધરા એલસીબીએ આવું જ એક ષટયંત્ર ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસની તપાસમાં ઠગ ટોળકની કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.જેમાં વડોદરામાં જાલી નોટો છાપતી ઠગ ટોળકી દ્વારા બજારમાં જાલી નોટો ઘૂસાડવા માટે રૃ.૨૦ હજારની અસલી નોટોની સામે રૃ.૧ લાખની જાલી નોટો આપવામાં આવતી હોવાની પણ માહિતી મળતાં પોલીસે વધુ તપાસ જારી રાખી છે.
ડુપ્લિકેટ નોટો કેટલા સમયથી છાપતા હતા,ક્યાં ક્યાં સપ્લાય કરી
ગોધરા એલસીબી દ્વારા જાલી નોટોના પકડવામાં આવેલા કૌભાંડની ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.જેમાં પોલીસ ડુપ્લિકેટ નોટોના નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.આરોપીઓ દ્વારા જાલીનોટો કેટલા સમયથી છાપવામાં આવતી હતી અને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી તે બાબત પોલીસ માટે મહત્વનો વિષય બની છે.મુખ્ય સૂત્રધાર ઇમરાન હાથમાં આવે તો વધુ કેટલીક ચોંકાવનારી વિગતો ખૂલે તેવી શક્યતા છે.