હરણી બોટ દુર્ઘટનામાં બીજા રાજ્યમાં ફરાર થયેલાે કોટિયા પ્રોજેક્ટનો સંચાલક બિનિત કોટિયા પકડાયો
વડોદરામાં કોર્ટ સામેની નાસ્તાની દુકાને આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે દબોચી લીધો
વડોદરાઃ હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં ફરાર થઇ ગયેલો કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક આજે દિવાળીપુરા ખાતેની તેની દુકાનેથી ઝડપાઇ જતાં તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઇ છે.
૧૪ નિર્દોષોનો ભોગ લેનાર હરણી લેકઝોનની બોટ દુર્ઘટનાના બનાવમાં પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી ફરાર થયેલા આરોપીઓની તપાસ કરી રહી છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે આ પ્રકરણની ગંભીરતા જોતાં એડિશનલ કમિશનર મનોજ નિનામાની અધ્યક્ષતામાં સિટની રચના કરી છે.જેની તપાસમાં લેકઝોનના વહીવટમાં પરેશ શાહ,નિલેશ જૈન અને કોટિયા પ્રોજેક્ટનો સંચાલક બિનિત કોટિયા મુખ્ય સૂત્રધાર હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની એક ટીમ બિનિત હિતેષ કોટિયા(એરિસ સિગ્નેચર,દિવાળીપુરા ગાર્ડન પાછળ,વડોદરા)ની પાછળ પડી હતી.તે ગુજરાત બહાર જુદાજુદા શહેરોમાં આશરો લેતો હતો અને પોલીસ પહોંચે તે પહેલાં તે સ્થળ છોડી દેતો હતો.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,બિનિત કોટિયા આજે સવારે વડોદરાની નવી કોર્ટ સામે તેની મનોરથ નામની નાસ્તાની દુકાને આવનાર હોવાની વિગતો મળતાં પોલીસે વોચ રાખી હતી અને દુકાને આવતાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
બોટકાંડના ફરાર આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાશેઃ ડીસીપી પન્ના મોમાયા
હરણી બોટકાંડના આરોપીઓને દબોચી દેવા માટે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવી રહ્યો છે.
પોલીસ કમિશનરે બનાવેલી સિટના સુપરવિઝન અધિકારી ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,બોટકાંડના ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે અમારી ટીમો કામે લાગી છે.આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે.
મનુષ્યવધના ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીઓને મદદ કરનારા લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.