પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં સૂત્રધાર બાબરનાે ચોથો ભાઇ પણ પકડાયોઃકુલ 9 પકડાયા
વડોદરાઃ નાગરવાડાના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમશ પરમારના પુત્ર તપનની ઘાતકી હત્યા તેમજ તેના મિત્ર વિકાસ અને ધર્મેશની હત્યાના પ્રયાસના બનેલા બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ ૨ આરોપીને ઝડપી પાડતાં આ કેસમાં પકડાયેલાઓની કુલ સંખ્યા ૯ પર પહોંચી છે.
તપન પરમારની ઘાતકી હત્યાના બનેલા બનાવમાં રાવપુરાના એસીપી તપાસ કરી રહ્યા છે.પોલીસે અગાઉ સૂત્રધાર બાબર પઠાણ અને એક મહિલા સહિત પાંચની અટકાયત કરી હતી.જ્યારે,ગઇકાલે એસઓજીએ બાબરના ભાઇ મહેબૂબ પઠાણ અને સલમાન ઉર્ફે સોનુને ઝડપી પાડયા હતા.
ક્રાઇમ બ્રાન્ચે મર્ડરના ગુનામાં નામ ખૂલ્યા હોય તેવા બાબરના ચોથા ભાઇ અમજદખાન હબીબભાઇ પઠાણ(સ્કૂલ નંબર ૧૦ પાસે, નાગરવાડા)ને નવાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.જ્યારે,બાબરને સિવિલ હોસ્પિટલમાં સાબીર હુસેન ઉર્ફે લાખા રઝાકભાઇ દૂધવાલા(લાલજીકૂઇ,નાગરવાડા) ને દુમાડ ખાતેથી ઝડપી પાડી રાવપુરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
તપાસ અમલદાર દ્વારા બંનેની ભૂમિકા અને તેના પુરાવા એકત્રિત કરવા માટે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.