વડોદરાઃ લામડાપુરા ખાતેની મારુતિ કેમિકલમાં ભીષણ આગ,કામદારોનો બચાવ..રોડ બંધ કરાયો
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી મારુતિ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.સ્થાનિક ફાયર ફાઇટરોથી આગ કાબૂમાં નહિં આવતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
લામડાપુરા રોડ પર આવેલી મારુતિ કેમિકલ નામની કંપનીમાં આજે સાંજના સમયે ધડાકા સાથે પ્રચંડ આગ ફાટી નીકળી હતી તેના પગલે ત્રણ કિલોમીટર સુધી આગના અને ધુમાડાના દ્શ્યો નજરે પડતા હતા.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યા હતા.
પેટ્રોપેદાશોના પ્લાન્ટ અને સ્ટોરેજને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી અને આસપાસની કંપનીઓ માટે પણ જોખમ સર્જાયું હતું.આગના બનાવને પગલે જીઆઇડીસી અને ખાનગી કંપનીના ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા.પરંતુ આગ બેકાબૂ બનતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવમાં મોટાભાગનો પ્લાન્ટ અને સ્ટોરેજનો જથ્થો ખાક થઇ જતાં ફરી એકવાર વિવિધ ઔદ્યોગિક એકમોમાં ફાયર સુવિધા પ્રત્યે ભારે ઉદાસીનતા છતી થઇ હતી.મંજુસર પોલીસે રાહદારીઓ અને ફેક્ટરીઓમાંથી છૂટીને જતા કામદારોની સલામતી અર્થે રસ્તાઓની નાકાબંધી કરીને રૃટ ડાયવર્ટ કર્યા હતા.
કંપની ભાડે આપી દેવાઇ હતી, કામદારો દોડી જતાં બચી ગયા
મારુતિ કેમિકલ સોલવન્ટ અને બાયોડીઝલનું પ્રોડક્શન કરતી હોવાનું અને હાલ આ કંપની ના માલિકે અન્યને ભાડે આપી દેતાં તે જઉ કેમિકલના નામે ચાલતી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.સાંજે સાડા ચારેક વાગ્યાની આસપાસ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન આગ લાગી ત્યારે છ થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને તેઓ દોડી જતાં બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બાજુની કંપનીની ઓફિસ ધુ્રજી,બીજો ધડાકો થતાં લોકો દોડી ગયા
લામડાપુરા રોડ પર લાગેલી આગના પ્રકરણમાં આ કંપનીની નજીક આવેલી પેકેજિંગ કંપનીના સંચાલક વરુણ અગ્રવાલે કહ્યું હતું કે,પહેલીવાર ધડાકો સાંભળ્યો ત્યારે રસ્તા પરના વાહનોને કારણે ઓફિસ ધુ્રજી હોવાનું લાગ્યું હતું.પરંતુ બીજો ધડાકો થતાં પોતે ઓફિસની બહાર દોડી ગયા હતા અને સુરક્ષાના કારણોસર કંપનીનું કામ બંધ કરી દઇ કામદારોને પણ બહાર મોકલી દીધા હતા.