બોર્ડ પરીક્ષામાં સામૂહિક ચોરી પકડાયા બાદ સ્થળ સંચાલકનો આપઘાતનો પ્રયાસ
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની સ્કૂલમાં ધો.૧૦ના સાયન્સના પેપર દરમિયાન વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા.આ ઘટનામાં વડોદરા ડીઈઓ દ્વારા થયેલી કાર્યવાહીના પગલે કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા શાળાના આચાર્યે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સપાટી પર આવી છે.
મળતી વિગતો પ્રમાણે તા.૧૮ માર્ચે ધો.૧૦ના વિદ્યાર્થીઓની સાયન્સ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં આનંદી ગામની બી એલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમા ફ્લાઈંગ સ્કવોડ અને સરકારી પ્રતિનધિએ કરેલી તપાસમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ કાપલીમાંથી લખતા પકડાયા હતા.આ મામલામાં સુપરવાઈઝરની પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં સ્કૂલના પટાવાળાએ કાપલીઓ પહોંચાડી હોવાનુ પણ બહાર આવ્યુ હતુ. આમામલામાં સ્થળ સંચાલક અને સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઈ પટેલે ચોરી કરાવવાની કબૂલાત પણ ફ્લાઈંગ સ્કવોડ સમક્ષ કરી હતી.જેના પગલે ડીઈઓ કચેરી દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.સમગ્ર મામલામાં સુપરવાઈઝર, સ્થળ સંચાલક અને પટાવાળાઓના વડોદરા ડીઈઓ કચેરી ખાતે તા.૧૯મીએ જવાબો લેવામાં આવ્યા હતા.એ પછી સ્થળ સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કૂલના આચાર્ય વાસુદેવભાઈ પટેલ ઘરે પહોંચ્યા હતા અને તેમણે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આથી તેમને સારવાર માટે ડભોઈ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.હાલમાં તેમની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.દરમિયાન વડોદરા ડીઈઓએ કહ્યુ હતુ કે, સ્કૂલમાં થઈ રહેલી ચોરી સરકારી પ્રતિનિધિના ધ્યાનમાં આવી હતી અને તે બાદ ડીઈઓ કચેરીના અધિકારીએ પણ સ્કૂલની મુલાકાત લઈને તપાસ કરી હતી.સબંધિત લોકોના નિવેદન લીધા બાદ સ્થળ સંચાલક અને સ્કૂલના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કાર્યવાહીના ભયથી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનુ અમને પણ જાણવા મળ્યુ છે.
પરીક્ષા કેન્દ્રનો આખો સ્ટાફ બદલી નંખાયો, સંખ્યાબંધ વિદ્યાર્થીઓના પરિણામ પણ અટવાશે
ડીઈઓનુ કહેવુ છે કે, કાર્યવાહીના ભાગરુપે સ્કૂલનો સમગ્ર સ્ટાફ બદલી નાંખવામાં આવ્યો છે.હવે બાકીના પેપરો માટે અન્ય કર્મચારીઓ ફરજ બજાવશે.આ બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડને પણ અહેવાલ મોકલી દેવાયો છે.
દરમિયાન એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે કે, સામૂહિક ચોરીનો મામલો હોવાના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓના પરિણામ પણ અટવાઈ શકે છે.આ મામલામાં બોર્ડ દ્વારા વધુ સુનાવણી થવાની પણ સંભાવના છે.