લગ્નસરાની સિઝન જામી, વડોદરામાં 2000 જેટલા લગ્નો યોજાશે
વડોદરાઃ દેવ ઉઠી અગિયારસ અને દેવ દિવાળી પૂરી થતા જ વડોદરામાં લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે.વડોદરામાં ફેબુ્રઆરી મહિના સુધીમાં ૨૦૦૦ જેટલા લગ્નો યોજાય તેવો અંદાજ છે.
મોંઘવારીનો માર તો લગ્ન પર પણ પડયો છે.લગ્ન આયોજનના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી પ્લોટ, કેટરિંગ, ફરાસખાના અને ડેકોરેશનના ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.મોંઘવારીના મારના કારણે લગ્નોના બજેટ એડજસ્ટ કરવા માટે હવે લોકો આમંત્રિતોની સંખ્યા ઓછી રાખવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.હાઈ પ્રોફાઈલ લગ્નોને બાદ કરવામાં આવે તો ૫૦૦ થી ૭૦૦ આમંત્રિતોના લગ્ન અને સત્કાર સમારોહ પાછળનો ખર્ચ પાંચથી દસ લાખ રુપિયા સુધી પહોંચ્યો છે.
એમ પણ હવે મોટાભાગે શિયાળામાં જ લગ્નોનું આયોજન કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે.પહેલા શિયાળો અને ઉનાળો એમ લગ્નોની બે સિઝન રહેતી હતી.પરંતુ ઉનાળો વર્ષે દર વર્ષે આકરો બની રહ્યો હોવાથી મોટાભાગના લગ્નો હવે શિયાળામાં જ યોજાઈ રહ્યા છે.
વડોદરા અને તેની આસપાસના ૧૦૦ કરતા વધારે પાર્ટી પ્લોટમાં ફેબુ્રઆરી સુધીમાં લગ્ન માટેની જે પણ તારીખો છે તે દિવસોનું બૂકિંગ થઈ ચૂકયું છે. ઉપરાંત ઓછા આમંત્રિતો સાથેના લગ્નો માટે હોટલો અને પાર્ટી પ્લોટોના બેન્ક્વેટ હોલ પણ ડિમાન્ડમાં છે.કોર્પોરેશનના અતિથિ ગૃહોની પણ ફેબુ્રઆરી સુધી ભારે ડીમાન્ડ છે.