કોમર્સ ફેકલ્ટીમાં કબાટોમાં મૂકવામાં આવેલી સેંકડો માર્કશીટો પલળી ગઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પૂરના પાણીએ સત્તાધીશો માટે અલગ પ્રકારની મુસીબત ઉભી કરી છે.અહીંયા પૂરના પાણીના કારણે ફર્નિચર, કોમ્પ્યુટરનો તો નુકસાન થયું જ છે પણ કબાટોમાં મૂકેલી માર્કશીટો પણ પલળી ગઈ હોવાથી હાલમાં તો તેને સુકવવા માટે દોડધામ ચાલી રહી છે.
કેટલી માર્કશીટો પલળી ગઈ છે તેના આંકડા અંગે પણ અટકળો છે.એક અનુમાન પ્રમાણે કોમર્સના વિવિધ બિલ્ડિંગોના કબાટોમાં જૂના વર્ષોની અને વિદ્યાર્થીઓ લઈ ના ગયા હોય તેવી ૮૦૦૦ જેટલી માર્કશીટો પડી રહી છે.જેમાંથી ૫૦૦ જેટલી માર્કશીટો પલળી છે તો ફેકલ્ટી ડીનનું કહેવું છે કે, આવી માર્કશીટોની સંખ્યા ૧૦૦ કરતા વધારે નથી અને તે પણ લેમિનેટેડ કરેલી હોવાના કારણે તેને સુકવવામાં વાંધો આવ્યો નથી અને માર્કશીટને નુકસાન થયું નથી.
સૂત્રોનું કહેવું છે કે, હાલમાં ટીવાયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માર્કશીટો પણ તાજેતરમાં જ પ્રિન્ટ થઈને આવી છે.જેનુ વિતરણ તા.૨૭ ઓગસ્ટથી કરવાનું હતું.હવે તે પણ બીજા દસેક દિવસ ટાળી દેવાયું છે.જોકે આ માર્કશીટોને નુકસાન થયું નથી તેવુ સત્તાધીશો કહી રહ્યા છે.
કોમર્સના એમકોમ બિલ્ડિંગમાં પૂરના પાણીના કારણે ૨૦૦ જેટલી પાટલીઓને નુકસાન થયું છે અને તેને સૂકવ્યા બાદ જ કામમાં લવાય તેવી સ્થિતિ છે.આ સંજોગોમાં એમકોમમાં પહેલા વર્ષનુ શિક્ષણ કાર્ય શરુ કરવાનુ પાછળ ઠેલવામાં આવ્યું છે.કોમર્સની ઓફિસના કોમ્પ્યુટરો પણ પાણીમાં જતા રહ્યા હોવાથી ઓફિસમાં વહીવટી કામગીરી હાલમાં ઠપ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.