વડોદરા કોર્પોરેશન દ્વારા મેરેથોન અને સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે
- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સ્પર્ધાઓનું આયોજન
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦માં વર્ષની ઉજવણી નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા મેરેથોન, સૂર્ય નમસ્કાર સ્પર્ધા તથા અન્ય કાર્યક્રમોનું આયોજન ક૨વામાં આવેલ છે. આ માટેની એક દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂર કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમના સ્થળે ફરાસખાના સુશોભન, મહાનુભાવોનું સન્માન, મોમેન્ટો, મહેમાનો અને વીઆઈપી લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાનો ખર્ચ તેમજ આકસ્મિક ખરીદી અને ખર્ચને પણ મંજુર કરવા કમિશનરને સત્તા આપતી દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ બધા કાર્યક્રમો ક્યારે યોજવાના થશે તે અંગે હવે પછી નિર્ણય કરાશે. ખર્ચ કોર્પોરેશનના સંસ્કાર કાર્યક્રમના બજેટ હેડમાં મંજૂર થયેલ રકમ 3.20 કરોડમાંથી અથવા સંબંધિત બજેટ હેડમાંથી ક૨વામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં આ વર્ષે યોગને પ્રોત્સાહન આપવા માટે અને લોકો યોગની મહત્તા સમજે તે હેતુથી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી રહી છે. વડોદરામાં પણ આ સ્પર્ધા વિવિધ કેટેગરી અને વય પ્રમાણે યોજાશે. તારીખ 19 થી આ સ્પર્ધા શરૂ થશે જે 26 સુધી ચાલશે. દરેક સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ માટેની રાજ્યકક્ષાની સ્પર્ધા તારીખ 30 ના રોજ યોજાશે.