વડોદરા નજીકના અનેક ગામો હજી સંપર્કવિહોણા ઃ પાણી ઉતરતા નથી
દોલતપુરા-અણખીરોડ, તતારપુરાથી કેલનપુર અને શંકરપુરા, કેલનપુરથી સુલતાનપુરા, હરીપુરા તેમજ અલ્હાદપુરાથી હાંસજીપુરા વચ્ચેના રોડ બંધ
વડોદરા, તા.27 વડોદરા શહેર તેમજ જિલ્લામાં બુધવારે વરસેલા ભારે વરસાદ બાદ હજી પણ લોકો તંત્રના પાપે વરસાદના કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. વડોદરા તાલુકાના અડધો ડઝન જેટલા માર્ગો પર ત્રણ ત્રણ દિવસ થવા છતાં પાણી ભરાયેલા રહેતા આ ગામો સુધી જવાનો રસ્તો બંધ થઇ જતાં લોકો ગામમાં જ ઘેરાયેલા છે.
વડોદરા તાલુકાના પોર નજીક આવેલ દોલતપુરા-અણખીરોડ પર બુધવારથી નાળા પર વરસાદી અને કોતરોના પાણી ફરી વળતાં આ બંને ગામો વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો છે. ત્રણ-ત્રણ દિવસ થવા છતાં હજી પણ આ રોડ બંધ હાલતમાં છે. રોડ પરથી કોઇપણ પ્રકારની અવરજવર થઇ શકતી નથી. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે આ નાળા પર દર વર્ષે પાણી ભરાઇ જતા હોય છે અને લોકોને હેરાન પરેશાન થવું પડે છે. વર્ષોથી સમસ્યાનો સામનો કરતા લોકોને ક્યારે રાહત થશે તે નક્કી નથી.
આ ઉપરાંત વડોદરા ડભોઇરોડ પર આવેલ કેલનપુરથી તતારપુરા તરફ જતા રોડ પર પણ પાણી ફરી વળતાં તતારપુરાનો સંપર્ક થઇ શકતો નથી. શંકરપુરા-તતારપુરા વચ્ચેનો માર્ગ પણ પાણી ભરાવાના કારણે બંધ થઇ ગયો છે. જાબુઆ નદીનું પાણી ફરી વળતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. કેલનપુરથી સુલતાનપુરા, હરીપુરા વચ્ચેના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે જેના પગલે આ ગામોના લોકો છેલ્લા ત્રણ દિવસથી હેરાન થઇ ગયા છે.
વડોદરા નજીક આવેલા અલ્હાદપુરાથી હાંસજીપુરા વચ્ચેનો સંપર્ક પણ વરસાદી પાણીના કારણે તૂટી ગયો છે. ત્રણ દિવસ થવા છતાં હજી પણ પાણી નહી ઓસરતાં બંને ગામો વચ્ચેનો વ્યવહાર થંભી ગયો છે. વડોદરા નજીક આવેલા આંતરીક ગામો હજી પણ સંપર્કવિહોણા છે.