વડોદરામાં પૂર બાદ કોર્પોરેશનના પ્રથમ હેલ્થ ચેકઅપ રાઉન્ડમાં તાવ અને ચામડીના દર્દોના કેસો વધુ જોવા મળ્યા
VMC Heath Team : વડોદરામાં વિશ્વામિત્રીના ભયાનક પૂર આવ્યા પછી છેલ્લા છ દિવસથી વડોદરા કોર્પોરેશન દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.
ખાસ કરીને કચરા અને ડમ્પીંગ સાઈટ પર માખી મચ્છરોનો ત્રાસ ન ફેલાય તે માટે ડીસ ઈન્ફેકટન્ટનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અહીંથી વાહક જન્ય રોગચાળો ન વકરે તે માટે દવાઓનો છંટકાવ વધારવા તાકીદ કરાઈ છે. કુલ 44 મોબાઇલ ટીમ કામે લાગી છે. તેમાં 22 રાજ્ય સરકારની છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોર્પોરેશનની અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરોની પ્રથમ પાંચ દિવસની કામગીરીનો રાઉન્ડ પૂરો થયો છે. જેમાં 1129 લોકેશન પર 57,936 દર્દીઓની તપાસ કરવામાં આવી છે. જેમાં 4301 કેસ તાવના, 1122 કેસ ઝાડાના, 169 કેસ ઝાડા ઉલટીના અને 14,969 કેસ ચામડીના દર્દીના જોવા મળ્યા છે. પૂરના પાણીને લીધે ચામડીના દર્દીઓ વધી ગયા છે. જ્યારે ઘેર-ઘેર ફરીને 497 ટિમ દ્વારા 4,85,482 ઘરમાં જઈને 39,704 દર્દીઓની તપાસ કરી હતી. જેમાંથી 4,755 કેસ તાવના, 833 કેસ ઝાડા, 119 કેસ ઉલટીના અને 9434 કેસ ચામડીના દર્દોના જોવા મળ્યા હતા. પ્રથમ રાઉન્ડના સર્વેમાં સ્લમ અને સોસાયટી વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે, અને હવે બીજા રાઉન્ડમાં બાકી રહેલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે.