Get The App

વડોદરા RTOમાં સતત બે દિવસથી સર્વર ખોટકાયેલું રહેતા અસંખ્ય અરજદારો હેરાન : એજન્ટ રાજને પ્રોત્સાહન!

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
વડોદરા RTOમાં સતત બે દિવસથી સર્વર ખોટકાયેલું રહેતા અસંખ્ય અરજદારો હેરાન : એજન્ટ રાજને પ્રોત્સાહન! 1 - image

વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરા શહેરના છેવાડે આવેલ દરજીપુરા આરટીઓમાં છેલ્લા બે દિવસથી સર્વર ઠપ રહેતા અસંખ્ય અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે લોકો પોતાના ધંધા-રોજગાર અથવા ભણતર બગાડી કામગીરી કરાવવા પહોંચતા તેઓનું કામ ન થતાં આખરે આવા સમયે તેઓએ સરકારી કચેરીઓની બહાર ફરતા એજન્ટનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આરટીઓ ખાતે ગઈકાલે અને આજે સળંગ બે દિવસ સર્વર ખોટકાયેલા રહ્યા છે. જાણવા મળ્યા મુજબ, અહીં દૈનિક અસંખ્ય લોકો પોતાના લાયસન્સ તથા અન્ય કામગીરી માટે આવતા હોય છે અને તેઓને આ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવતી હોય છે. ગઈકાલે અને આજે બંને દિવસ આરટીઓનું સર્વર ખોટકાયેલું રહ્યું હતું. જેને કારણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવનાર અસખ્ય અરજદારોની તેમની અરજી સંબંધિત કોઈ કામગીરી થઈ શકી ન હતી.

ગઈકાલે શરૂઆતમાં તેઓએ કલાકો સુધી આરટીઓ કચેરીમાં બેસી રહેવું પડ્યું હતું અને મોડેથી તેઓને જાણ કરવામાં આવી હતી કે, "આજે સર્વર કામ કરી રહ્યું નથી, તમારી કોઈ કામગીરી નહીં થાય". આવી જ પરિસ્થિતિનું નિર્માણ આજે સતત બીજા દિવસે થવા પામ્યું છે. આજે પણ આરટીઓ કચેરીમાં અસંખ્ય અરજદારો જે પોતાના ધંધો- રોજગાર, ભણતર સહિતની વિવિધ કામગીરી છોડીને આવ્યા હતા. તેમને ફરી એકવાર ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. આરટીઓ કચેરીમાં અંદાજે 100થી વધુ અરજદારો દૈનિક આવતા હોય છે. અહીં ફરજ પરના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું હતું કે, આજે પણ આરટીઓનું સર્વર કામ કરી રહ્યું નથી, જ્યારે સર્વર શરૂ થશે ત્યારે તેઓની અરજીનો નિકાલ શરૂ કરવામાં આવશે. આના કારણે અસંખ્ય અરજદારો હવે પોતાના કામ માટે આરટીઓમાં ધક્કા ખાઈ થાકી ગયા છે.

આ પૈકીના એક અરજદાર કનુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરટીઓ યોગ્ય રીતે કામગીરી કરી રહી નથી. લોકોના સમય અને પૈસાનો વેડફાટ થવાના કારણે આખરે તેઓએ એજન્ટ પાસે સહારો લેવો પડે છે. એક તરફ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવી પોતે વિવિધ ટ્રાન્સપોર્ટ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કેવી કામગીરી થઈ રહી છે? તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા હોય છે અને બીજી બાજુ વડોદરાની આરટીઓ કચેરી, નાગરિકોને વારંવાર હેરાન કરવામાં કોઈ કચર અસર ન રાખતા, ધક્કા ખવડાવે છે. જેને કારણે સરકારી કચેરીઓમાં, ખાસ કરીને આરટીઓમાં, એજન્ટ રાજ વધુ ફાલ્યું છે. વડોદરા આરટીઓનો અત્યંત બદત્તર વ્યવહાર અને કામગીરી તેના અરજદારો સાથે થતી હોવાનું અનુભવાઈ રહ્યું છે. "વારંવાર આરટીઓનું સર્વર ખોટકાઈ જાય છે" તેવો એક માત્ર જવાબ આપી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આડકતરી રીતે એજન્ટ રાજને પ્રોત્સાહન કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી અને તેઓ મૂંગા થઈ નાગરિકોને હેરાન કરવામાં આવતી આવી તમામ ગતિવિધિ માત્ર નિહાળી રહ્યા છે!?


Google NewsGoogle News