મંજુસર જી.આઇ.ડી.સી.માં શેડનું પતરૃં તૂટી જતા નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત
ઉંડેરા ગામ પાસે ભાઇને જમવા બોલાવવા ગયેલા કિશોરનો પગ લપસતા મોત
વડોદરા,સિમેન્ટના પતરાના શેડ પર ચઢીને કામ કરતા શ્રમજીવી પતરૃં તૂટી પડતા નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. જ્યારે ઉંડેરા ગામે દીવાલ પરથી નીચે પટકાતા ૧૬ વર્ષના કિશોરનું મોત થયું છે.
માંજલપુર પંચદેવ મહાદેવ મંદિર પાસે મહાકાળી નગરમાં રહેતા ૫૯ વર્ષના સુભાષભાઇ ચાંગો ગવાલે ગઇકાલે સાડા દશ વાગ્યે મંજુસર જી.આઇ.ડી.સી.માં મોર્ડન એન્ડ રોલ કંપનીમાં પતરાના શેડ પર સિમેન્ટના પતરાનું રીપેરીંગ કામ કરતા હતા. તે દરમિયાન સિમેન્ટનું પતરૃં તૂટી જતા તેઓ નીચે પટકાયા હતા. તેઓને માથા તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
અન્ય એક બનાવમાં ઉંડેરા ગામ સ્મશાન પાસે રહેતો ૧૬ વર્ષનો કિશોર ગઇકાલે નજીકમાં બનતા પાણીના ટાંકા પર મજૂરી કામ કરતા પોતાના ભાઇને જમવા માટે બોલાવવા ગયો હતો. તે દરમિયાન દીવાલ પરથી તેનો પગ લપસતા તે નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજીમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.