સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાના પગલે માંજલપુર પોલીસ દોડતી થઇ
દારૃના ગુનામાં વોન્ટેડ પિતા - પુત્રને ઝડપી લીધા : એકસાથે ૧૪ નશેબાજો ઝડપાયા
વડોદરા,સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પછી દોડતી થયેલી માંજલુપર પોલીસે દારૃનો ધંધો કરનાર પિતા - પુત્રને એકસાથે ઝડપી પાડયા છે.તેમજ એક જ દિવસમાં ૧૪ નશેબાજો સામે પ્રોહિબિશનના કેસ કર્યા છે.
માંજલપુર કોતર તલાવડી સિકોતર નગર - ૨ ની સામે મેલડી નગરમાં ખુલ્લી જગ્યામાં ગણેશ વારકે અને તેનો દીકરો રાજ વારકે માણસો રાખી વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની માહિતીના આધારે એસ.એમ.સી.ની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નિલેશ અશોકભાઇ ડોઢરે ( રહે. કોતર તલાવડી, મેલડી નગર, ગણેશ શંકરભાઇ વારકેના મકાનમાં, માંજલપુર, મૂળ રહે. નંદુરબાર મહારાષ્ટ્ર ) પકડાઇ ગયો હતો. જ્યારે રાજ ભાગી ગયો હતો. દારૃના ગુનામાં વોન્ટેડ રાજ વારકે અને તેના પિતા ગણેશ વારકે હાલમાં ઘરે આવ્યા હોવાની માહિતી મળતા માંજલપુર પોલીસે ઘરે જઇને તેઓને ઝડપી પાડયા હતા.
એસ.એમ.સી.ની રેડના પગલે દોડતી થયેલી માંજલપુર પોલીસે એકસાથે ૧૪ નશેબાજોને ઝડપી પાડી અલગ - અલગ કેસ દાખલ કર્યા છે.