માંજલપુર ધારાસભ્યની બાંકડા બેઠક : દિવાળીપુરાના 312 જર્જરિત મકાનો રીપેર કરાવવાની રહીશો ખાત્રી આપવા તૈયાર
Vadodara News : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના 312 મકાનો જર્જરિત થઈ જવાને કારણે ગઈકાલે હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનની ટીમે પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. જેથી હોબાળો સર્જાયો હતો જે બાદ ગઈકાલે કોર્પોરેશન ખાતે પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થાનિક રહીશોનો મોરચો લઈને આવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી. તો આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ સ્થાનિક રહીશોની મદદથી દોડી આવ્યા હતા અને દિવાળીપુરાના રહેવાસીઓને બાંહેધરી લખી આપવા જણાવ્યું હતું. સાથે-સાથે પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન પુનઃ શરૂ કરાવી આપવાની પણ ખાતરી આપી હતી.
વડોદરાના તરસાલી રોડ પર હાઉસિંગ બોર્ડના દિવાળીપુરાના જર્જરિત 312 મકાનોના લાઈટ પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાતા સ્થાનિક રહીશો નાના બાળકો સહિત પરિવારો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. સ્થાનિક હેરાન પરેશાન લોકોની રજૂઆતો સાંભળી પણ હતી. જેમાં હાઉસિંગ બોર્ડના સ્થાનિક રહીશોએ પોતાના જર્જરીત મકાન રીપેર કરાવવા સહિત અન્ય બાહેધરી સ્ટેમ્પ પેપર પર આપવા તૈયારી દાખવી હતી. જેથી આ તમામ જર્જરીત મકાનોના લાઈટ પાણી ડ્રેનેજ કનેક્શન જોડી આપવા બાબતે વિચારણા શરૂ કરવામાં આવી છે. જોકે કનેક્શન કાપવા અંગે મ્યુ કમિશનરે લેખિતમાં ઓર્ડર કર્યો હોવાનું પાલિકા અધિકારીઓ પદાધિકારીઓનું કહેવું છે.