LPG ટેન્કરમાં ગેસના બદલે દારૃના જથ્થાની થતી હેરાફેરી
એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર અને દારૃના જથ્થા સહિત કુલ રૃા.૬૧.૦૩ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
સાવલી તા.૨૧ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસેથી એલપીજી ટેન્કરમાં ગેસના બદલે દારૃનો મોટો જથ્થો ભરીને થતી હેરાફેરી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી હતી. વાપીથી જામનગર તરફ જતી ટેન્કરમાંથી ૨૯૫૮૬ દારૃની બોટલોના જથ્થા સહિત કુલ રૃા.૬૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરાઇ છે.
વાપીથી વડોદરા અને ત્યાંથી અમદાવાદ તરફ જતી રાજસ્થાન પાસિંગની એક ટેન્કરમાં દારૃના જથ્થાની હેરફેર થઈ રહી છે તેવી બાતમીના પગલે આજોડ ગામની સીમમાં પસાર થતાં એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે વોચ ગોઠવતાં બાતમી મુજબની અમદાવાદ તરફ જતી ટેન્કરને પોલીસે રોકી હતી. ભારત પેટ્રોલિયમ કંપનીના લખાણવાળી એલપીજી ગેસ ભરેલી ટેન્કરમાં શું છે તે અંગે ડ્રાઇવરની પૂછપરછ કરતાં દારૃનો જથ્થો ભર્યો છે તેમ જણાવ્યું હતું.
પોલીસે ટેન્કરનું ઢાંકણું ખોલીને તપાસ કરતાં ટેન્કરમાં ગેસના બદલે દારૃની પેટીઓ જણાઇ હતી. કુલ રૃા.૪૫.૯૮ લાખ કિંમતનો દારૃ ટેન્કરમાં જણાતા પોલીસને પણ નવાઇ લાગી હતી. પોલીસે દારૃનો મોટો જથ્થો, મોબાઇલ અને ટેન્કર મળી કુલ રૃા.૬૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ટેન્કરના ડ્રાઇવર ખીયારામ મંગારામ જાટ (રહે.લખવારા,તા.ચોટન, જિલ્લો બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્થો ખીયારામ ગાંધીધામ ખાતે નોકરી કરતો હતો ત્યારે ગણપતભાઈ નામના શખ્સની ઓળખાણ થઈ હતી તે પણ ડ્રાઇવિંગ કરતો હતો અને ગણપતભાઇએ જ વાપીથી ટેન્કરમાં દારૃ ભરીને આપ્યો હતો અને જામનગર પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું તેવી વિગતો જાણવા મળી હતી. આ અંગે પોલીસે મંજુસર પોલીસમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.