મગફળીની ગુણોની આડમાં દારૃની ડિલિવરી કન્ટેનરમાં ડ્રાઇવર કેબિનની પાછળ ચોરખાનામાં દારૃની હેરાફેરી
મધ્યપ્રદેશથી જૂનાગઢ જાય તે પહેલાં વેમાલી પાસે કન્ટેનર ઝડપાયું ઃ ૨૮.૯૪ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
વડોદરા, તા.3 મધ્યપ્રદેશથી મગફળીના જથ્થાની આડમાં એક કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં દારૃનો મોટો જથ્થો ભરીને જૂનાગઢ તરફ લઇ જવાતો હતો ત્યારે વડોદરા નજીક વેમાલી પાસેની એક ખુલ્લી જગ્યામાં મંજુસર પોલીસે કન્ટેનરને ઝડપી એક શખ્સની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે એક કન્ટેનરમાં ચોરખાનું બનાવ્યું છે તેમજ તેમાં દારૃ ભર્યો છે અને તે કન્ટેનર છોટાઉદેપુરથી કપુરાઇ બાજુ આવી જૂનાગઢ તરફ જવાનું છે તેવી બાતમી પોલીસને મળતાં દુમાડ ચોકડી પાસે ગઇકાલે સવારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન આ કન્ટેનર વેમાલીમાં સિધ્ધાર્થ એનેક્ષરની આગળ પાર્કિગમાં ઊભું છે તેવી માહિતી ફરીથી મળતાં પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે બાતમી મુજબનું કન્ટેનર મળ્યું હતું.
પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં ડ્રાઇવર અર્જુનસિંહ બંસીલાલ નટ (રહે.નાયવાલી, જિલ્લો ચિત્તોડગઢ, રાજસ્થાન) મળ્યો હતો. તેની પાસે કન્ટેનર ખોલાવીને અંદર તપાસ કરતાં કાળા રંગના કંતાનના કોથળા મળ્યા હતાં. આ કોથળામાં તપાસ કરતાં મગફળીનો જથ્થો હતો. કન્ટેરનરમાં દારૃને લગતી કોઇ વસ્તુ મળી ન હતી પરંતુ બાતમી સાચી હોવાથી પોલીસ દ્વારા કેબિનમાં તપાસ હાથ ધરતાં ડ્રાઇવર સીટની પાછળ એક ચોરખાનું મળ્યું હતું. આ ખાનામાં તપાસ કરતાં દારૃની રૃા.૯.૧૨ લાખ કિંમતની ૨૨૮૦ દારૃની બોટલો ભરેલી પેટીઓ મળી હતી.
પોલીસે દારૃનો જથ્થો, મગફળીની ૩૫૦ બેગો, એક મોબાઇલ તેમજ કન્ટેનર મળી કુલ રૃા.૨૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે ઉદયપુરમાં રહેતા બાબુભાઇએ મને ફોન કરીને જણાવેલ કે ભૂપેન્દ્રસિંગ જશવંતસિંગ રાજપૂત (રહે.ભીલવાડા, રાજસ્થાન)ની ગાડીનો ડ્રાઇવર તેના ઘેર જતો રહ્યો છે ગાડી મધ્યપ્રદેશના છત્તરપુર પડી છે તેને લઇને ભૂપેન્દ્રસિંગ કહે ત્યાં પહોંચાડવાની છે જેથી હું છત્તરપુર ગયો હતો ત્યારે ભૂપેન્દ્રસિંગે મને મગફળી જૂનાગઢ ઉતારવાની છે અને ત્યારબાદ ચોરખાનાની જાણ કરી તેમાં દારૃની બોટલો છે હું કહું ત્યાં આપી દેવાનો છે તેમ કહ્યું હતું. પોલીસે અર્જુનલાલા અને ભૂપેન્દ્રસિંગ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.