રિક્ષા, ટેક્સી તથા કેબ કાર ચાલકોની સીટ પાછળ ફરજિયાત વિગતો લખવી પડશે
નામ, સરનામા, મોબાઇલ નંબર, કંટ્રોલ રૃમનો નંબર તથા હેલ્પ લાઇન નંબર લખવા
વડોદરા,મુસાફરોની સલામતી માટે રિક્ષા, ટેક્સી તથા કેબ કાર ચાલકોની સીટ પાછળ વિગતો લખવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં જી.આઇ.ડી.સી. તેમજ મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેના કારણે શહેરની મુલાકાત માટે આવતા લોકો રિક્ષા, કેબ તેમજ ટેક્સીનો ઉપયોગ કરતા હોય છે. કેટલીક વખત મુસાફરોના ખિસ્સા કપાતા હોય છે. તેમજ સામાનની ચોરી, છેતરપિંડી, મોબાઇલ ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ તેમજ છેડતી અને અપહરણ જેવા ગુનાઓ બનતા હોય છે. આવા કિસ્સામાં રિક્ષા, કેબ તેમજ ટેક્સીના ડ્રાઇવરના નામ, સરનામા નહીં જાણતા હોવાના કારણે ગુનાઓ અનડિટેક્ટ રહેતા હોય છે. જેના કારણે પોલીસ કમિશનર દ્વારા આવા બનાવોને અટકાવવા માટે રિક્ષા ચાલકની સીટની પાછળ તેમના નામ, સરનામા, મોબાઇલ નંબર, પોલીસ કંટ્રોલ રૃમનો નંબરતેમજ હેલ્પ લાઇન નંબર ભૂંસાઇ ના જાય તે રીતે લખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંગે આજે એસીપી ટ્રાફિક દ્વારા રિક્ષા યુનિયન, ટેક્સી યુનિયન તથા કેબ કાર ચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરી આ અંગે સમજ આપવામાં આવી હતી.