પાર્કિંગ માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સોના ભોંયરા ખોલવા સંચાલકોને તાકિદ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
પાર્કિંગ માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સોના ભોંયરા ખોલવા સંચાલકોને તાકિદ 1 - image


ગાંધીનગરમાં વધતી જતી આડેધડ પાર્કિંગની સમસ્યાને પગલે

કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી પરંતુ હજી લાગુ નહીં કરવામાં આવતા સમસ્યા વધી

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બહાર આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા અટકાવવા માટે ભોયરા ખોલવા કોમ્પ્લેક્સના સંચાલકોને તાકિદ કરવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો અન્ય શહેરો કરતા પહોળા માર્ગો છે પરંતુ અહીં આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ નવા વિસ્તારમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને ન્યુ ગાંધીનગરમાં રિલાયન્સ સર્કલ આસપાસ મોટા કોમશયલ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયા છે અહીં ધંધા રોજગાર પણ શરૃ થઈ જવાના કારણે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે આ કોમ્પ્લેક્સમાં ભોયરા હોવા છતાં તેમાં પાર્કિંગ નહીં થવાને કારણે મુખ્ય માર્ગ ઉપર જ વાહનો પાર્ક થઈ જાય છે અને તેના કારણે અને આડેધડ પાર્કિંગની સમસ્યા એટલી હદે વકરી છે કે દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના કોમશયલ કોમ્પ્લેક્સોના સંચાલકોને ભોંયરા ખોલવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેમાં કોઈ સફળતા મળી નથી ત્યારે ફરીવાર કોર્પોરેશન પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે ભોંયરા ખોલવા તાકીદ કરી છે. કોમ્પ્લેક્સમાં આવતા વાહનોનું ફરજિયાત પણ ભોયરામાં પાર્કિંગ કરાવવા સૂચના આપી છે. આગામી દિવસમાં હવે તેનું પાલન નહીં કરવામાં આવે તો કોમ્પ્લેક્સ સામે કડક કાર્યવાહીના સંકેત પણ આપી દેવામાં આવ્યા છે. નોંધવું રહેશે કે,મહાનગરપાલિકા કે ગુડા તંત્ર દ્વારા અગાઉ બાંધકામો માટે પરવાનગી આપવામાં આવી ત્યારે પાર્કિંગ માટેના ભોયરા ફરજિયાત પણે બનાવવામાં આવ્યા હતા પરંતુ કેટલાક કોમશયલ કોમ્પ્લેક્ષમાં આ ભોયરામાં કોમશયલ પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં સોસાયટી કે બિલ્ડર દ્વારા ભાડે પણ આપી દેવામાં આવતા હોય છે ત્યારે કોર્પોરેશન આવા એકમો સામે આગામી સમયમાં શું કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું. 


Google NewsGoogle News