ગોરવાની ઇન્ફોટેક કંપનીના પ્રોજેક્ટ મેનેજરે કસ્ટમરોને હાથમાં લઇ 54 લાખનો ચૂનો ચોપડ્યો
વડોદરાઃ ગોરવાના સારાભાઇ કેમ્પસમાં આવેલી ઇન્ફોટેક કંપનીના માર્કેટિંગ મેનેજરે રૃ.૫૪ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
દેવગઢબારીયાના વતની અને અત્રે ગોરવાની સાંગરીલા રેસિડેન્સીમાં રહેતા નિહાર સોનીએ પોલીસને કહ્યું છેકે,સારાભાઇ કેમ્પસમાં કે-૧૦ ખાતે મારી ગૌરજ ઇન્ફોટેક ઓફિસ આવેલી છે અને તેમાં સોફ્ટવેર,વેબ સાઇટ ડેવલપમેન્ટ જેવા કામો કરવામાં આવે છે.
મારી ઓફિસમાં દેવગઢ બારીયાનો મોહિત રાજેશકુમાર સોની(હાલ રહે.વૈભવ ફ્લેટ,આઇનોક્સ પાસે,ઇલોરાપાર્ક) પ્રોજેક્ટ કમ માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો.તેની અમારા કંપનીના ક્લાઇન્ટ સાથેની વાતચીતના પુરાવા મળતાં મને શંકા ગઇ હતી.તપાસ કરતાં તે અમારી કંપનીના ગ્રાહકોનો સંપર્ક કરી ખાનગી કામો કરતો હોવાની માહિતી જાણવા મળી હતી.
ઓફિસ સંચાલકે કહ્યું છે કે,અત્યાર સુધીમાં મોહિત સોનીએ અમારી કંપનીમાંથી ૩.૭૪ લાખ એડવાન્સ પેટે લઇ પરત કર્યા નથી અને ગ્રાહકો સાથે કામ કરી કંપનીને કુલ રૃ.૫૪.૪૩ લાખનું નુકસાન કર્યું છે.તેણે ભૂલ કબૂલી રૃપિયા પરત આપવાની ખાતરી પણ આપી રાજીનામુ આપ્યું હતું.હું તેને ઘેર ગયો ત્યારે તેની માતાએ સ્યુસાઇડ નોટમાં મારૃં નામ લખીને ફસાવી દેવાની ધમકી આપી હતી.