દારૃનો જથ્થો ભરેલી ગાડી સાથે હરિયાણાના શખ્સની ધરપકડ
રૃા.૩૧.૨૭ લાખ કિંમતની ૧૦૦૨૦ દારૃની બોટલો સાથે કુલ રૃા.૪૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા, તા.8 લુધિયાણાથી દારૃનો જથ્થો ભરીને રાજકોટ જતી એક આઇસર ગાડીને વડોદરા જિલ્લા એલસીબીએ વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે પરના ટોલનાકા પાસેથી ઝડપી પાડી દારૃ સહિત કુલ રૃા.૪૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ચંદીગઢ પાસિંગની એક આઇસર ગાડી જેમાં દારૃનો જથ્થો ભર્યો છે તે ગાડી વડોદરા થઇ એક્સપ્રેસ હાઇવે પરથી રાજકોટ તરફ જનાર છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફે આસોજ પાસેના એક્સપ્રેસ હાઇવે પરના ટોલનાકા પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતાં તેને કોર્ડન કરી ગાડીમાં તપાસ કરતાં અંદર પ્લાસ્ટિકના કોથળાની આડમાં છુપાવેલી દારૃની બોટલોની પેટીઓ મળી હતી.
પોલીસે ચાલકનું નામ પૂછતાં તોફીક રોજદાર મેવ (રહે.રીઠોરા, તા.નુહ, જિલ્લો મેવાલ, હરિયાણા) જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખી તપાસ કરતાં ગાડીમાં કુલ રૃા.૩૧.૧૭ લાખના મુદ્દામાલની દારૃની ૧૦૦૨૦ બોટલો ભરેલી ૫૭૫ પેટીઓ જણાઇ હતી. પોલીસે દારૃનો જથ્થો, મોબાઇલ અને ગાડી મળી કુલ રૃા.૪૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાડીના ચાલકની પૂછપરછ કરતાં દારૃ ભરેલી ગાડી પંજાબના લુધિયાણા પાસેના એક ઢાબા પર સાહીદ રમજાન મેવ (રહે.કોથલા, તા.નુહ, જિલ્લો મેવાત)એ આપી હતી અને ગાડી લઇને રાજકોટ જવા માટે કહ્યું હતું. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.