વિશ્વામિત્રી નદીને ખળખળ વહેતી રાખવા પાવાગઢને કેમિકલ અને પ્લાસ્ટિક મુક્ત કરો

શનિવારે વડોદરામાં રાષ્ટ્રિય સ્તરના પર્યાવરણ તજજ્ઞાોની બેઠકનું આયોજન જેમાં 'વહો વિશ્વામિત્રી' પ્રોજેક્ટ અંગે ચર્ચા થશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વિશ્વામિત્રી નદીને ખળખળ વહેતી રાખવા પાવાગઢને કેમિકલ અને પ્લાસ્ટિક મુક્ત કરો 1 - image


વડોદરા : વડોદરાની મધ્યમાંથી પસાર થતી પવિત્ર નદી વિશ્વામિત્રીના પુનઃ સ્થાપન માટે 'વહો વિશ્વામિત્રી' અભિયાન દ્વારા દાયકાઓથી પ્રયત્નરત કૃષી વૈજ્ઞાાનિક પદ્મશ્રી ડો.એમ.એચ.મહેતાએ આજે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે શનિવારે રાષ્ટ્રીય સ્તરની તજજ્ઞા બેઠકનું આયોજન કરાયુ છે જેમાં ભારત સરકારના વન-પર્યાવરણ વિભાગના નેશનલ રિવર કન્ઝર્વેશન ડારેક્ટોરેટના ડાયરેક્ટર એન.આકાશબાબુ હાજર રહેશે.

અમે તેઓને અમુક મુદ્દાઓ ઉપર રજૂઆત કરવાના છીએ કે પાવાગઢની આજુબાજુનો પાંચ કિ.મી.નો વિસ્તાર કેમિકલ અને પ્લાસ્ટિક મુક્ત કરીને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે ઝુંબેશ શરૃ કરવી.  જૈવિક કચરાના નિકાલ માટે વૈજ્ઞાાનિક રીતે સેન્દ્રીય ખાતરમાં રૃપાંતર કરવા માટે આયોજન કરવા. પાવાગઢમાં મંદિર, માંચી, બજાર, રોડસાઈડ વિગેરે વિવિધ સ્થળે બાયો કમ્પોસ્ટના યુનિટ બનાવવા. ગુજરાત ઓર્ગનિક કૃષિ યુનિવસટી અને ખેડૂતો સાથે મળીને પાવાગઢ  વિસ્તારમાં સજીવ ખેતી- પ્રાકૃતિક ખેતી હાથ ધરવી. વન વિભાગના સહયોગથી આગામી સીઝનમાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવું.

આ ઉપરાંત પાવાગઢ અને વિશ્વામિત્રી નદીની આજુબાજુના વિસ્તારમાં તળાવો અને પાણીના સ્તરને ઊંચા લાવવા. ગુજરાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ હોલિસ્ટિક પ્લાન માટે સરકાર દ્વારા વિશ્વામિત્રી ઓથોરિટીની રચના કરવી. પાવાગઢથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીને ૩૬૫ દિવસ જો શુદ્ધ અને વહેતી રાખવી હશે તો આટલુ ચોક્કસ કરવુ પડશે. તા.૭ ઓક્ટોબર શનિવારે સુભાનપુરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આ તજજ્ઞા બેઠક યોજાશે.


Google NewsGoogle News