વડોદરાના મકરપુરા, અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કોમી એકતા અને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી કરવા શાંતિ સમિતિની બેઠક યોજાઇ
image : Freepik
Eid and Ramnavmi Festival : આગામી રમજાન ઇદ અને રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને મકરપુરા, અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતુ. જેમાં પોલીસ દ્વારા તહેવોરાની કોમી એખલાસની ભાવના તથા શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવા અપીલ કરાઇ હતી. ઉપરાંત તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે જરૂરી સુચના સાથે માર્ગદર્શન અપાયું હતું.
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગામી રમઝાન ઇદ, રામનવમી તથા હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને 9-4-24ના રોજ મકરપુરા, ગોત્રી, અને અકોટા પોલીસ સ્ટેશનમાં પીઆઇની અધ્યક્ષતામાં વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, હિંદુ મુસ્લિમ આગેવાનો, રામનવમી શોભાયાત્રાના આયોજકો, એફ.ઓ.પી.સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી તહેવારો દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદરા રાખવાની સાથે કાયદો અને વ્યવસ્થાનુ પાલન થાય તે રીતે ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને કોમી એખલાસની ભાવના જળવાઇ રહે જે બાબતે વિગતમાં ચર્ચા કરવામા આવી હતી. રામનવમી તેમજ રમઝાન ઇદના તહેવારને અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામા આવી હતી.