વડોદરાની મહી નદીમાં પોઇચા કૂવામાં 25 ફૂટની ઊંડાઈએ ડુબકી મારીને વાલ્વનું મેન્ટેનન્સ
- 120 ફૂટ ના કુવામાં 35 ફૂટ પાણી ભરેલું છે
- કુવા ફરતે પુરથી રેતી અને પથ્થરની ગાદી ધોવાઈ જતા તે બનાવવાની કામગીરી પણ ચાલુ
- કાલ બપોર સુધી કામ ચાલુ રહેશે
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહી નદી સ્થિત પોઇચા કૂવામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણીમાં હાલ માટીની ડહોળાશ અને રજકણો આવતા હોવાથી વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠતા તેનો ફોલ્ટ શોધવા માટે અને સફાઈની કામગીરી આજ સવારથી મહી નદી ખાતેના પોઇચા કૂવામાં શરૂ કરવામાં આવી છે. અને આશરે 60 માણસનો સ્ટાફ કામે લાગ્યો છે. આ કૂવામાંથી ઇલોરા પાર્ક, ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા, કલાલી પાણીની ટાંકી તેમજ સુભાનપુરા બુસ્ટર વિસ્તાર હેઠળના લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે.
પોઇચા કુવા ખાતે વાલ્વ મેન્ટેનન્સ, રેડિયલ મેન્ટેનન્સ અને ફ્રેન્ચ કુવાની સફાઈની કામગીરી કાલ બપોર સુધી ચાલે તેવી શક્યતા છે. આના લીધે પાણીના વિતરણની કામગીરી બંધ રહેવાની હોવાથી આશરે બે લાખ લોકોને પાણીની અસર પડશે. મહી નદી ખાતેનો પોઇચા કૂવો 120 ફૂટ ઊંડો છે, અને તેમાં 35 ફૂટ પાણી ભરેલું છે. જ્યારે તેના વાલ્વ 25 ફૂટની ઊંડાઈએ છે એટલે માણસો પાણીમાં ડૂબકી મારીને વાલ્વનું મેન્ટેનન્સ કરે છે, અને પાણીના સેમ્પલ લાવે છે. જે વાલ્વમાંથી ગંદુ પાણી આવે તેને બંધ કરવામાં આવે છે. જેથી કરીને ગંદા પાણીની તકલીફ ન રહે. પાંચ મીટરનો ઘેરાવ ધરાવતા કુવાની ફરતે કડાણા ડેમમાંથી જે પાણી છોડાય તે પાણીમાં રેતી અને બીજા રજકણો તણાઈને આવતા હોવાથી કુદરતી રીતે પાણી ગળાઈને કુવામાં ઉતરે તે માટે પાણી શુદ્ધ કરવા પૂરને લીધે રેતી અને મોટા પથ્થરની જે ગાદી બનેલી હોય છે તે ધોવાઈ જતા તે બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.